Ahmedabad Metro: 1 વર્ષમાં અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ મેટ્રો, રોજના 90 હજાર મુસાફરો કરે છે પ્રવાસ

એક વર્ષ પહેલા વડાપ્રધાનએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઈફલાઈન છે. શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરો પ્રવાસ કર્યો. 

Ahmedabad Metro: 1 વર્ષમાં અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ મેટ્રો, રોજના 90 હજાર મુસાફરો કરે છે પ્રવાસ
| Edited By: | Updated on: Sep 29, 2023 | 7:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ વડાપ્રધાને શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા હવે અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ છે. શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવા સમયાંતરે સમીક્ષા પણ કરતાં રહે છે. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે.

દર 12 મિનિટે આપવામાં આવે છે મેટ્રોની સેવા

વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં અવી છે. પ્રારંભે 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6:20 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

70 લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો

અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે. ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે. જો બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન અમદાવાદના રોડ પર વાર્ષિક અંદાજે 70 લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો થયો હોવાનું અનુમાન કરી શકાય. પરિણામે રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માત્ર 39 મિનિટમાં થાય છે જ્યારે APMC થી મોટેરા સુધીની મુસાફરી માત્ર 32 મિનિટમાં થાય છે. જેના કારણે મેટ્રો, એક વિશ્વસનીય, સલામત અને આરામદાયક મુસાફરી માટેનું પરિવહન સાબિત થયું છે.

ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. મેટ્રો સ્ટેશનોને અમદાવાદની સ્થાનિક સંસ્કૃતિ, વિશેષતાઓ અને હેરિટેજ સ્મારકોની ઝાંખી દર્શાવતા આર્ટવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે.

આ એક વર્ષમાં ક્રિકેટ મેચ દરમિયાન ટ્રેન રેપિંગ, પ્રમોશનલ ઈવેન્ટ્સ, ફિલ્મ શૂટિંગ વગેરે જેવી અન્ય આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરાઇ છે, જેથી ટ્રેનના ભાડા સિવાય અન્ય આવક પણ થાય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ, જુઓ Video

ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન જીએમઆરસીએ કર્યું છે. મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લીંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે તથા બન્ને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

રાજ્ય સરકારે નાગરિકોને ફાસ્ટ મોબિલિટી સાથેની અદ્યતન પરિવહન સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત કરેલી મેટ્રો મુસાફરોની પસંદગી અને પ્રાથમિકતા બની ગઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો