Ahmedabad : અમદાવાદના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ બોહરાએ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળતા જ આ ભૂમિકા નિભાવનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. IACC એ 55 વર્ષ જૂની પ્રતિષ્ઠિત ચેમ્બર ઓફ કોમર્સ છે, જે ભારત તથા અમેરિકા વચ્ચે દ્વિપક્ષી વેપાર અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાની કામગીરી બજાવે છે. IACC દેશભરમાં 14 ઓફિસ ધરાવે છે તેમજ અમેરિકામાં 27 પાર્ટનર સંસ્થાઓ છે.
આ અંગે 59 વર્ષીય CA પંકજ બોહરાએ જણાવ્યું કે IACCના નેશનલ પ્રેસિડેન્ટ તરીકેનું પદ સંભાળતા હું સન્માન અને વિશેષાધિકારની લાગણી અનુભવું છું. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને મૂડીરોકાણમાં ભારે વૃદ્ધિ થઈ રહી છે અને અમેરિકા ભારતના સૌથી મોટા ટ્રેડીંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે. બે રાષ્ટ્ર વચ્ચેનો આ સંબંધ સતત દ્રઢ થઈ રહ્યો છે અને નવી ક્ષિતિજોમાં પ્રવેશી રહ્યો છે. બંને રાષ્ટ્ર વચ્ચેનો સંબંધ સુદ્રઢ બનાવવા માટે હું તમામ સહયોગી સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છું.
ચાર દાયકા કરતાં વધુ સમયનો પ્રોફેશનલ અનુભવ ધરાવતા CA પંકજ બોહરા હાલમાં પંકજ બોહરા એન્ડ કંપની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના સિનિયર પાર્ટનર છે. બિગ 4 એકાઉન્ટિગ ફર્મમાં તાલીમ પૂર્ણ કરનાર તથા EY અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓની કામગીરી સંભાળનાર પંકજ બોહરા પોતાની પ્રતિષ્ઠિત CA ફર્મની સ્થાપના કરી છે.
CA પંકજ બોહરા અનેક કંપનીઓના બિઝનેસ વ્યૂહરચના, ફાયનાન્સિયલ પ્લાનિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ માટે સિનિયર મેનેજમેન્ટને સલાહ આપતા ઘણી બધી કંપનીઓના બોર્ડમાં પણ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:17 pm, Sun, 1 October 23