ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન કર્યું.આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના ૩૫ વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો.રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ 17 મી ડિસેમ્બરે થયેલું આ અંગદાન 96 મું અંગદાન હતું.આ અંગદાનની વિગતો જોઇએ. સુરેન્દ્રનગરના ૨૫ વર્ષીય રાકેશભાઇ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ ઉભી થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા.સિવિલ હોસ્પિટલના તબીબોના કાઉન્સિલિંગના કારણે તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા મળી.
અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને 2 વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ મહેનત તેમજ અંગદાતાના પરિવારજનોના સહકાર અને સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ 96 અંગદાન થયા છે. આ 96 અંગદાનમાં મળેલા 303 અંગોને 280 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો ગઇ કાલે રાત્રે જોવા મળ્યો છે. ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું.સિવિલ હોસ્પિટલની સિદ્ધિને બિરદાવતા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કહે છે કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.