ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને વિદ્યાપીઠ ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યોને વરેલી છે તેવો અહીંના સત્તાધિશો દ્વારા દાવો કરવામાં આવે છે. આજે પણ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ગાંધીજીને બહુ પ્રિય એવો રેંટિયો કાંતવાની પ્રવૃતિ ફરજિયાત કરાવવામાં આવે છે, આ જ ગાંધીમૂલ્યોને વરેલી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે અને ગાંધીચીંધ્યા માર્ગે વિદ્યાપીઠ કેમ્પસમાં જ વિરોધ પર ઉતરી ગયા છે.
આ વિરોધ અંગે વિદ્યાર્થીઓ જણાવે છે કે, ગુજરાત વિદ્યાપીઠમાં રોજ સવારે જે ઉપાસના થાય છે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓએ સર્વધર્મ પ્રાર્થના ગાયા બાદ પ્રોફેસર રામગોપાલ કૃષ્ણએ તેમને અટકાવ્યા હતા. તેમની સર્વધર્મ પ્રાર્થના પર તો પ્રતિબંધ મુકી દેવાયો સાથોસાથ વિદ્યાર્થીઓની એ સમિતિને પણ રદ કરવામાં આવી. આ ઘટના બાદ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સત્તાધિશો વચ્ચે વિવાદ છેડાયો છે અને વિદ્યાર્થીઓ ગાંધીચીંધ્યા માર્ગે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી રહ્યા છે.
જે અધ્યાપકે વિદ્યાર્થીઓની પ્રાર્થના અટકાવી તે રામગોપાલ કૃષ્ણ અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ નિમીષા શુક્લ વચ્ચે પણ આ જ મુદ્દે વિવાદ થયો છે. અર્થશાસ્ત્ર વિભાગના મહિલા પ્રોફેસર સાથે પણ તેમણે ગેરવર્તણુક કરી હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને ડીનની માફીની માગ કરી રહ્યા છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યા સુધી ડીન માફી નહીં માગે ત્યાં સુધી તેઓ આંદોલન શરૂ રાખશે.
વિદ્યાર્થીઓનો એવો પણ આક્ષેપ છે કે પ્રોફેસર દ્વારા તેમની સર્વધર્મ પ્રાર્થનાને લઈને તેમનુ અપમાન કરવામાં આવ્યુ છે અને ગાંધીજી ખુદ સર્વધર્મ સમભાવને વરેલા હતા. તો એ પ્રકારની પ્રાર્થના ગાઈને તેમણે કંઈ જ ખોટુ કે કર્યુ નથી. છતા તેમને આ પ્રકારે અપમાનિત કરવામાં આવ્યા છે. એકતરફ વિદ્યાપીઠ ગાંધીજીના આદર્શોને વરેલી હોવાના દાવા કરાય છે. અહીં વિદ્યાર્થીઓ ખાદીના યુનિફોર્મમાં જ જોવા મળે છે અને રેંટિયો કાંતવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ પ્રકારે જોઈએ વિદ્યાપીઠ દ્વારા આજે પણ ગાંધીજીએ સૂચવેલા મૂલ્યો આધારે ચાલી રહી છે. ત્યારે સર્વધર્મ સમભાવ પ્રાર્થના જેવી બાબતે વિદ્યાર્થીઓને તે ગાતા અટકાવતા વિવાદની આગ છેડાઈ છે.
જો કે નવાઈની વાત એ છે કે આ સમગ્ર વિવાદ પર વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ સમગ્ર ઘટનાથી તદ્દન અજાણ હોવાનું જણાવી રહ્યા છે. કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તેની કાર્યકારી કુલસચિવને જાણ જ નથી. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીઓએ તેમના સુધી કોઈ રજૂઆત જ કરી નથી. જો વિદ્યાર્થીઓ રજૂઆત કરશે તો તેઓ ચોક્કસથી યોગ્ય પગલા લેશે. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યુ કે સર્વધર્મ સમભાવ પ્રાર્થના હોય કે કોઈપણ પ્રકારની ઉપાસના હોય, વિદ્યાર્થીઓને અટકાવી ન શકાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:14 pm, Mon, 7 August 23