
Gujarat University : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે પણ વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલુ સ્ટિકર હશે તેને જ ગુજરાત યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે.બહારથી આવતા લોકોને વાહન સાથે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં જુદા જુદા 55 ભવન આવેલાં છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો નિર્ણય પ્રથમવાર લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા આ નિણર્ય કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટીમાં સ્ટિકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે.
યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સ્ટિકર આપવામાં આવશે અને જે વાહનો પર સ્ટિકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. હાલમાં તમામ ભવનમાં ગુગલ ફોર્મ મારફતે ડેટા મેળવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:38 pm, Wed, 26 July 23