વર્ષ 2018 થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સાથે સંવાદનો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે અંતર્ગત વર્ષ 2023માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સાથે પણ દિલ્હીના સ્ટેડિયમ ખાતે રૂબરૂ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જ્યારે દેશભરની શાળાઓના વિદ્યાર્થીઓ આ સંવાદ સાંભળી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના વિદ્યાર્થીઓ સાથેના આ સંવાદ સાંભળ્યો હતો અને આગામી પરીક્ષા સંદર્ભે મનોબળ વધાવ્યું હતું. અમદાવાદમાં પણ વિવિધ સાંસદો અને ધારાસભ્યો શાળાઓમાં હાજર રહ્યા હતા.
અમદાવાદમાં સાંસદ ડૉ. કિરીટ સોલંકી ઉપરાંત અમદાવાદના ધારાસભ્યો પણ વિવિધ શાળાઓમાં હાજર રહ્યા હતા. અમદાવાદ પશ્ચિમ સાંસદ કિરીટ સોલંકી ઇસનપુરમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાજર રહીને વડાપ્રધાનના આ કાર્યક્રમને નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે મનોબળ વધાર્યું હતું. પરીક્ષા સંદર્ભે શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રકારના કાર્યક્રમથી પરીક્ષા આપવા વિદ્યાર્થીઓના મનોબળમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ શાળાના વિદ્યાર્થીઓને મનોબળ વધારતા કહ્યું કે, ચિત્તો બે કદમ પાછળ લે છે, પરંતુ ઉંચી કુદ કરવા માટે તો એકદમ પાછળ જાય છે, માટે દરેક વિદ્યાર્થીઓએ હિંમત સાથે પરીક્ષા આપવાની જરૂર છે. અનેક મુશ્કેલીઓ બાદ પણ દરેક વિદ્યાર્થીઓ સફળ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પણ જો વિદ્યાર્થી સફળ ન થાય તો તેને હિંમત હારવાની જરૂર નથી. આ માટે ખાસ વિદ્યાર્થીઓના વાલી અને શાળાના આચાર્યએ પણ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. જેના કારણે ખરાબ પરિણામને કારણે વિદ્યાર્થીઓ નાસીપાસ થવાના બદલે વધુ હિંમતથી ફરી એક વખત પરીક્ષા આપી શકે.
મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પરીક્ષા પરની ચર્ચા એક જન આંદોલન બની ગઈ છે. પીએમ મોદીએ બાળકો, માતા-પિતા અને શિક્ષકોને તણાવમાંથી મુક્ત કરવા માટે પગલાં લીધાં છે.