Sanand: સાણંદ નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષમાં શહેરીજનો પર લાદવામાં આવેલ આકરા કર( Tax )વધારાને લઈ શહેરીજનોએ સાણંદ બંધનું આહ્વાન કર્યું હતું. જેમાં રહેણાક મકાનો માં 200 ટકા જ્યારે કોમર્શિયલમાં 400 ટકાનો મિલકત વેરામાં વધારો કરતા સાણંદ બંધ રાખી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ બંધમાં શાકભાજી, પાથરણા, વિવિધ વેપારી સંગઠનો જોડાયા હતા.
સાણંદ નગરપાલિકાના સત્તાધીશોએ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રજા પર રહેણાંક વિસ્તારમાં 200 ટકા અને કોમર્શિયલ મિલકતો પર 400 ટકા જેટલો કરવેરો વધારતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્તાધીશોને વારંવારની રજૂઆત કર્યા બાદ કરબોજ પાછો ના ખેંચતા આખરે આજે સાણંદ બંધનું એલાન તમામ વેપારી સંગઠનો, સ્થાનિક રહીશો, શાકભાજીવાળા, પાથરણાવાળા તેમજ બજારોએ બંધનું એલાન આપ્યું હતું. આક્રોશ સાથે સાણંદના તમામ મુખ્ય બજારો આજે બંધ જોવા મળ્યા. બસ સ્ટેશન પાસેના મુખ્ય બજાર પાસે તો વેપારીઓએ એકત્રિત થઈ પ્રશાસકો સામે દેખાવો પણ કર્યા.
સરેરાશ જે વાર્ષિક વેરો આવતો હતો એ બમણા કરતા પણ વધી જતા શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકોએ જણાવ્યું કે સાણંદ નગરપાલિકામાં સુવિધા ના નામે કઈ મળતું નથી અને ઉપરથી કર વધારો કરવામાં આવી રહ્યો છે. સાણંદ નગરપાલિકાની તિજોરીનું ભાજપના સાશકોએ તળિયું ઝાટક કરી નાખ્યું છે. હવે વહીવટદાર થકી ફરી એકવાર તિજોરી ભરવા માટેનો કારસો રચવામાં આવ્યો છે જે શહેરીજનોને બિલકુલ મંજૂર નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો