“આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં, રહેવાને માટે આમ તો આખુંય ઘર હતું.” ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન

ગુજરાતની સાહિત્યમાં જેમનું નામ પુરા સન્માનથી લેવાય છે તેવા ઋષિ કવિ તરીકે જાણીતા રાજેન્દ્ર શુક્લનું આજે નિધન થયુ છે. રાજેન્દ્ર શુક્લ એવા ઉચ્ચ ગજાના કવિ હતા કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સર્વોચ્ચ પુરસ્કારથી તેમને નવાજવામાં આવેલા છે. સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને ભારત સરકારનો પ્રતિષ્ઠિત 'સાહિત્ય અકાદમી પુરસ્કાર' અને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' પણ એનાયત થયેલો છે.

| Updated on: Nov 22, 2026 | 5:25 PM

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ અને ઋષિ કવિ તરીકે જાણીતા રાજેન્દ્ર શુક્લનું આજે નિધન થયુ છે. 84 વર્ષની ઉમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જુનાગઢના બાંટવા ગામે 12 ઓક્ટોબર 1942ના રોજ જન્મેલ રાજેન્દ્ર શુક્લ ગુજરાતી સાહિત્યના ઉચ્ચ ગજાના કવિ, ગજલકાર અને વિવેચક હતા. તેમના ગઝલસંગ્રહ ‘ગઝલસંહિતા’ માટે તેમને ભારત સરકારનો પ્રતિષ્ઠિત ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આટલુ જ નહીં ગુજરાતી ભાષા માટેના તેમના અપ્રતિમ યોગદાન બદલ ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પણ તેમને એનાયત થયેલ છે. તેમની ગુજરાતી ભાષા અને છંદ પરનું પ્રભુત્વ બેજોડ હતુ. તેમની કવિતાઓમાં છંદની શુદ્ધતા અને લયનું માધુર્ય તેમજ તળપદી ગુજરાતી સહિત સંસ્કૃત પ્રચુર શબ્દોનો વૈભવ જોવા મળતો. ગુજરાતી ભાષા પ્રત્યેના તેમના આ યોગદાન બદલ જ તેમને ઋષિકવિ તરીકેની ઉપમા આપવામાં આવી હતી.

‘ઋષિકવિ’ અને ‘ગિરનારી કવિ’ તરીકેનું બિરુદ

સંસ્કૃત ભાષાના ઊંડા અભ્યાસ, ભારતીય અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનના કારણે સાહિત્ય જગત તેમને ‘ઋષિકવિ’ તરીકે ઓળખે છે. ગિરનાર પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે તેઓ ‘ગિરનારી કવિ’ તરીકે પણ જાણીતા હતા. જુનાગઢના બાંટવામાં 12 ઓક્ટોબર 1942માં જન્મેલા રાજેન્દ્ર શુક્લના સાહિત્ય સર્જનમાં ગિરનારની તળેટી, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ નરસિંહ મહેતાની કવિતાનો ઉંડો પ્રભાવ જોવા મળે છે. ઉર્દૂ-ફારસી મૂળ ધરાવતા ગઝલ સ્વરૂપમાં તેમણે સંસ્કૃત શબ્દો, ભારતીય પરંપરા અને સૂફીચેતનાનું ફ્યુઝન કરી અદ્દભૂત રચનાઓ આપી છે.

રાજેન્દ્ર શુક્લની કવિતાની વિશેષતા

રાજેન્દ્ર શુક્લની રચનાઓ માત્ર કવિતાઓમાં જ નહીં પરંતુ સામાન્ય શ્રોતાઓ અને સુગમ સંગીતના ગાયકો અને ચાહકોમાં પણ એટલી જ લોકપ્રિય હતી. રાજેન્દ્ર શુક્લ એવા કવિ હતા જેમનુ આધુનિક ગુજરાતી અને તળપદી કહી શકાય તેવી દેશી ગુજરાતી બંને પ્રકારની કવિતાઓમાં તેમની મહારથ હાંસિલ હતી અને કવિતાના ક્ષેત્રમાં તેમનુ સ્થાન શિખર સમાન હતુ. જ્યારે પણ કવિતાની વાત આવે ત્યારે રાજેન્દ્ર શુક્લનું નામ પુરા આદર અને સન્માનથી લેવામાં આવે છે. આ જ ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાનને દર્શાવે છે.

અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે B.A અને M.A થયા. અને 1982 સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય બાદ તેમણે સ્વૈચ્છિક નિવૃતિ લીધી. પોતાના સંતાનોને શાળાકીય શિક્ષણને બદલે ઘરે રહીને અનોખી રીતે કેળવવા માટે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોવાનું મનાય છે. પ્રાઈમરી સુધીનું શિક્ષણ સંતાનોને ઘરે જ આપી તેમણે અનેક શિક્ષિત માતાપિતાઓને નવી રાહ બતાવવાનું કામ કર્યુ.

સોનાના ભાવ ઘટાડાને લઈને PM મોદીએ લખનઉના કાર્યક્રમમાં કરી મોટી વાત- જુઓ Video

Published On - 5:24 pm, Sun, 22 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.