જો તમને કોઈ ફોન કરીને ગિફ્ટ આપવાની સ્કીમ આપે તો જરા ચેતી જજો, કેમકે તે લોકો તમને ગિફ્ટ આપવાના બહાને બોલાવી લોભામણી જાહેરાતો આપીને પોતાની કૌભાંડી સ્કીમોમાં ફસાવી શકે છે. આવી જ રીતે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક લોકો એક કંપનીની લોભામણી જાહેરાતમાં આવીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ ઘટનામાં ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ સરકારમાં 500 લોકોનું લિસ્ટ મોકલીને કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ હેઠળ કબુતરબાજીનો કિસ્સો ઝડપી પડાયો છે. ત્યાં બીજી તરફ કર્મા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા લોકોને લોભામણી સ્કીમો આપીને છેતરપિંડી કર્યા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સાથે જ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ છેતરાયેલા 500થી વધુ લોકોનું લીસ્ટ સરકારમાં મોકલી ન્યાયની માગ કરી છે.
મણિનગરના નમ્રતા છાજળમાં આ છેતરપિંડીનો ભોગ બનેલાઓ પૈકી એક છે. તેઓ હાઉસ વાઈફ છે. તેમને 2020માં એક કૉલ આવ્યો હતો કે સેટેલાઈટમાં હોટેલ મેરીઓટમાં એક કાર્યક્રમ છે, જ્યાં કપલમાં સાથે આવો તમને ગિફ્ટ મળશે. બસ આ કૉલ આવ્યો અને મહિલા પતિ સાથે પહોંચી. જ્યાં આ દંપતીને ગિફ્ટ આપવામાં આવી હતી અને સાથે કંપની દ્વારા સ્કીમ સમજાવવામાં આવી હતી. બસ આ સ્કીમની વાતોમાં મહિલા આવી ગયા અને તેમણે 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષની ત્રણ સ્કીમમાં 70 નાઈટના પેકેજમાં 6 નાઈટ વધુ મળશે, એવી સ્કીમમાં 1.23 લાખ રુપિયા ભર્યા હતા.
મહિલાના આ સ્કીમમાં 50 દિવસ પહેલા બુકિંગ કરવાથી 4 અને 5 સ્ટાર હોટેલ બુકિંગ મળશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ. જેથી તેમની સાથે છેતરપિંડી થશે કે નહીં તે ખ્યાલ ન આવ્યો. પણ જ્યારે તેઓ બુકીંગ કરવા ગયા અને બાદમાં ગલ્લા થલ્લા કરવા લાગ્યા હતા અને સ્કીમ બદલાઈ છે તેમ જણાવ્યું હતુ. બાદમાં તેઓને ખ્યાલ આવ્યો કે કઈ ખોટું થઇ રહ્યુ છે. બસ ત્યારે તેમને તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ.
મણિનગરમાં રહેતા પ્રદીપભાઈને પણ આજ રીતે કૉલ કરીને ગિફ્ટ માટે હયાત હોટેલમા બોલાવ્યા હતા અને બાદમાં કર્મા કંપનીએ પ્રદીપભાઈને તેમની સ્કીમમાં ફસાવી લઈ 2.70 લાખ ભરાવ્યાં અને સ્કીમો આપી હતી. જોકે બાદમાં કંપનીએ પેકેજ નહિ આપી કંપનીએ ગલ્લા તલ્લા કરતા પોતાની સાથે છેતરપિંડી કર્યાનું જણાઈ આવતા પ્રદીપભાઈએ પણ કંપની સામે ન્યાય માટે બાયો કસી છે.
નમ્રતા બેન સાથે એક બે નહિ પણ 500થી પણ વધુ લોકો ભોગ બન્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, ચેન્નઈ, બેંગ્લોર અને મુંબઇના લોકોનો સમાવેશ થાય છે. આ આંકડો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ પાસેથી મળ્યો છે. કેમ કે તેઓએ 501 લોકોનું નામ અને નંબર અને શહેરના નામ સાથેનું લિસ્ટ સરકારમાં મોકલી આપ્યું છે. જેથી લેભાગુ તત્વો સામે કડક અને ઝડપી કાર્યવાહી થઈ શકે.
હાલમાં કર્મા કંપનીએ છેતરપિંડી આચરી કંપનીનું નામ બદલીને વેલોરા કરી નાખ્યું છે. જે સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ તપાસ કરી રહી છે. જેથી ભોગ બનનારાઓ ને ઝડપી ન્યાય અપાવી શકાય. જે ઝડપી ન્યાય મળે માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ પણ હવે કમર કસી છે. અને સરકારને 500 લોકોનું લિસ્ટ મોકલી આપ્યું છે.
સમગ્ર કૌભાંડમાં કંપનીના માલિક હદય સોલંકી. મુકેશ રાવલ અને અનિરુદ્ધસિંહ છે. જેઓની સામે હાલ કોઈ કાર્યવાહી નથી થઈ રહી તેવા આક્ષેપો ઉઠ્યા છે. એટલું જ નહીં પણ આ અગાઉ શહેરમાં કે સી હોલિડેઝ દ્વારા પણ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં પણ ગ્રાહકો ન્યાયથી વંચિત છે. જે તમામ ભોગ બનનાર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓને તેંમના નાણાં પરત મળે અને તેમને ન્યાય મળે.