Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થયા બાદ હવે જગન્નાથ મંદિરને રિડેવલપ (redevelop) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું હતું કે ગર્ભગૃહ તેમજ મંદિર પરિસરનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે.
આ તકે નિવેદન આપતાં મહંતે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં લોકો સહિત મીડિયાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે 146મી રથયાત્રા પૂર્ણ થયા બાદ રીડેવલપમેન્ટનો મુદ્દો આગળ વધારવામાં આવ્યો છે.
જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટને લઈને રાજ્ય સરકાર અને AMC સાથે મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. લોકોની લાગણી અને ભાવ જોઈ મંદિરનું રીડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નવા પ્લાનમાં બે માળની પાર્કિંગ વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત અન્ય સ્થળે પણ પાર્કિંગ સહિતની બાબતોનું ધ્યાન રખાશે. જેના માટે એક સર્વે ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે.
મંદિરના રીડેવલપમેન્ટને લઈને થોડા સમય બાદ ફરીથી સર્વે કરવામાં આવશે. જે બાદ રિડવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. તો સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. જેને ધ્યાને રાખીને એક સાથે 50 હજાર લોકો દર્શન કરી શકે તેવું મંદિર બનાવવામાં આવશે.
નવા રીડેવલપમેન્ટ પ્લાન મુજબ બહારથી આવતા સાધુ સંતોને રહેવા માટે નવા સંત નિવાસનું નિર્માણ કરવામાં આવશે. તેમજ હાથીઓને રાખવા માટેનું નવું હાથીખાનું પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત જ્યારથી રથયાત્રા શરૂ થઈ ત્યારના જુના રથ સહિત રથયાત્રાના ઇતિહાસને દર્શાવતું એક મ્યુઝિયમ પણ બનાવામાં આવશે.
જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટને લઈને મંદિર પરિસરમાં રહેલ પરિસર, ગૌશાળા, ભોજનાલય અને રસોડા સહિતના બાંધકામ તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત મંદિર આસપાસના કેટલાક રહેણાંક અને કોમર્શિયલ એકમ હટાવી તેમને અન્ય જગ્યા ફાળવી ત્યાં પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરી મંદિરને રિડવલેપ કરવાનું આયોજન છે.