Corona in child: અમદવાદમાં કોરોનાએ (Ahmedabad) બાળકોને ભરડામાં લીધાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. અમદાવાદમાં છેલ્લા 21 મહિના દરમિયાન 18 વર્ષથી ઓછી વયના 17 હજાર 730 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે. જેમાં 3 હજાર 559 બાળકો 5 વર્ષથી ઓછી વયના છે. જ્યારે 5થી 18ની વયના 14 હજાર 171 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે.
ગયા વર્ષે 17 માર્ચે અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ 21 મહિનામાં અમદાવાદમાં શૂન્યથી 18 વર્ષ સુધીના હજારો બાળકોને કોરોનાએ ભરડામાં લીધા છે. આ સમાય સુધીના કેટલા બાળકોને કોરોના થયો તેના આંકડા તપાસવા AMC ના હેલ્થ વિભાગે હાથ ધરેલી કામગીરીમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે.
જણાવી દઈએ કે ઓમિક્રોને રાજ્યમાં તોફાન મચાવવાનું શરુ કરી દીધું છે. વિદેશથી આવી રહેલા લોકોમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઈ છે. રવિવારે અમદાવાદમાં ઓમિક્રોન વાઇરસના પ્રથમ બે કેસ સામે આવ્યા હતા. જેના કારણે લોકોમાં ફરી ફફડાટ જોવા મળી રહ્યો છે.
તો નિષ્ણાતોનું માનીએ તો ઓમિક્રોનથી બાળકોને બચાવવા જરૂરી છે. બાળકોને ઓમિક્રોનનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવી પડશે. કારણ કે ઓમિક્રોન કોરોનાના અન્ય સ્વરૂપ કરતા ત્રણ ગણી ઝડપે ફેલાય છે.
તમને જણાવી દઈએ કે સર્વે માં 5 વયજૂથ પ્રમાણે કોરોના દર્દીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 18થી 44 વય જૂથના 1.10 લાખ લોકોને કોરોના થયો છે. આ માત્ર અમદાવાદ શહેરના આંકડા છે. તો આ વયજૂથને સૌથી વધુ ચેપ લાગ્યો છે. બીજી તરફ 45થી 60 વર્ષ અને ત્યાર બાદ 60 વર્ષ કરતાં મોટી ઉંમરના સિનિયર સિટીઝનમાં એમ કરીને વયજૂથની ગણતરી કરવામાં આવી હતી.
21 મહિનામાં અમદાવાદમાં કુલ કોરોના કેસ 2.32 લાખ
18 વર્ષથી ઓછી વય: 17,730 કેસ
5 વર્ષથી ઓછી વય: 3559 કેસ
5થી 18ની વય: 14,171 કેસ
18 થી 44ની વય: 1.10 લાખ કેસ
પુરુષ: 1.36 લાખ કેસ, મહિલા: 96 હજાર કેસ
આ પણ વાંચો: હાઈ બીપીના દર્દી ખાસ વાંચે: શિયાળાની ઠંડીમાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર પડી જશે ભારે