ઉનાળા વેકેશનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વેકેશન દરમિયાન લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. તો કેટલાક લોકો પોતાના માદરે વતન જતા હોય છે. આવા સમયે રેલવેમાં મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે. આ ભીડ ન જામે અને લોકોને સુવિધા મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.
રેલવે વિભાગ દ્વારા વેકેશન દરમિયાન મુસાફરોની માગને ધ્યાને રાખી મુસાફરોને હાલાકી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેલવે દ્વારા 6 એપ્રિલથી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ- પટના, ભાવનગર – બાંદ્રા, રાજકોટ – મહેબૂબનગર, ઓખા – નાગરકોલ અને બાંદ્રા – બાડમેર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવાશે. તેમજ જે ટ્રેનમાં 24 કરતા ઓછા કોચ અને વધુ મુસાફર હશે ,તેવી ટ્રેનમાં વધારાના કોચ પણ લગાવવાનો નિર્ણય રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વેકેશન દરમિયાન વધુ લોકો રેલવેમાં મુસાફરી કરે તેવા સમયે ટ્રેનમાં વેઇટિંગ પણ વધી જતું હોય છે. જેને પહોંચી વળવું અઘરું બની જતું હોય છે. મળતી માહિતી મુજબ વેકેશન સમયે દિલ્હી, મુંબઇ, પટના અને કોલકતા તરફ મુસાફરોની ભીડ વધતી હોય છે. હાલ રેલવેમાં 100 થી 400 સુધી કેટલીક ટ્રેનમાં વેઇટિંગ બોલાઈ રહ્યું છે. તો બીજી તરફ ટિકિટ એજન્ટો પણ આવા સમયે એક્ટિવ થઈ જતા હોય છે. મુસાફરો પાસે વધુ નાણાં લઈને લૂંટ ચલાવતા હોવાના બનાવો પણ સેમ આવતા હોય છે.
ટિકિટ એજન્ટના કારણે મુસાફરોને હેરાન થવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે વેકેશન દરમિયાન ટિકિટ દલાલો પર ખાસ ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું. સાથે જ રેલવે પ્લેટફોર્મ પર 80 કેમેરાથી એજન્ટોની શંકાસ્પદ ગતિ વિધિ તમામ પર નજર રખાઈ રહી હોવાનું પણ રેલવે અધિકારીએ જણાવ્યું.
આ પણ વાંચો : ગરમીનો પારો વધશે ! 2060 સુધીમાં દેશનો મોટો હિસ્સો હીટવેવના ‘ડેન્જર ઝોન’માં હશે – IMD રિપોર્ટ
એવું પણ નથી કે વેકેશન દરમિયાન માત્ર રેલવેમાં જ મુસાફરોનો ધસારો વધતો હોય છે. પણ રેલવે સાથે એસ ટી બસ, હવાઈ મુસાફરી અને ખાનગી બસમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. જ્યા વહેલા ટિકિટ બૂક કરાવનારને મુસાફરીનો લાભ મળે છે, તો છેલ્લી ઘડીએ ટિકિટ બૂક કરાવનાર રહી જાય છે. જેથી જલ્દી ટિકિટ બુક કરાવવી તે જરૂરી બની જાય છે. ત્યારે આવા સમયે રેલવેમાં દલાલો પણ કટકી કરતા હોય છે. તો ખાનગી બસ ચાલકો વધુ ભાડા વસુલતા હોય છે. ત્યારે જરૂરી છે કે આવા લોકો પર પણ અંકુશ આવે. જેથી લોકોના મહેનતના નાણાં વેડફાય નહિ અને કોઈ પણ હાલાકી વગર લોકો ફરવાના સ્થળે તેમજ માદરે વતન પહોંચી વેકેશનની ખરી મજા માણી શકે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 3:20 pm, Wed, 26 April 23