
રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના (Slaughterhouse) મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સમગ્ર મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારનો રીતસરનો ઉધડો લીધો હતો અને જણાવ્યુ હતુ કે, સરકાર (Gujarat Govt) દરેક વખતે કામગીરીના નામે માત્ર મગરના આંસુ સારી રહી છે. સરકાર માત્ર નોટિસ આપીને જ કામ ચલાવે છે અને રાજ્યમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર કતલખાના મામલે નામદાર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આપેલા ચુકાદાનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન બાદ જણાવવામાં આવ્યુ હતુ કે, ગેરકાયદેસર કતલખાનાઓમાં કોઈપણ પ્રકારની શુદ્ધતા કે અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. જેના કારણે માનવજીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ એટલે કે જેમની પાસે લાયસન્સ નથી તેવા તમામ કતલખાનાઓ બંધ કરાવવા હાઇકોર્ટે નિર્દેશ પણ કર્યો છે.
હાઇકોર્ટે આ મામલે રાજય સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, જો આવા પ્રકારના કતલખાના બંધ કરાવવા અથવા તો સર્વે કરવા માટે લો એન્ડ ઓર્ડરની (Law and order) પરિસ્થિતિ જોખમાય તો પોલીસને પણ જરૂરી પગલાં લેવા. આ ઉપરાંત તાલુકા જિલ્લા અને મનપામાં ચિકન, માંસ-મચ્છી વેચતી દુકાનોનો સર્વે કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. તો ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીને સમગ્ર મામલે સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરવા પણ હાઇકોર્ટે સૂચન કર્યુ છે.
તમામ કામગીરીના રિપોર્ટ સાથે આવતી મુદત સાથે જરૂરી કમિટીઓના અધિકારીઓ તથા એનિમલ હસબન્ડરીના અધિકારીઓને કામગીરીના રિપોર્ટ સાથે હાઇકોર્ટમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ લાઇસન્સ વગર ચાલતા તમામ ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ સુનાવણી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે
Published On - 5:10 pm, Wed, 19 October 22