ગુજરાતમાં ભેળસેળનો ખેલ, સ્વાસ્થ્ય સામે ખતરો અને તંત્રના કડક પગલાં, જુઓ Video

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો ખેલ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે, જે સીધો લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. નકલી હિંગ, વાસી ખોરાક, ભેળસેળયુક્ત ફરસાણ, ખરાબ લસ્સી અને શંકાસ્પદ ઘી જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

ગુજરાતમાં ભેળસેળનો ખેલ, સ્વાસ્થ્ય સામે ખતરો અને તંત્રના કડક પગલાં, જુઓ Video
| Updated on: Sep 01, 2026 | 9:53 PM

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો ખેલ હવે ચિંતાની તમામ હદો વટાવી ચૂક્યો છે. આ માત્ર નકલી ખોરાકની વાત નથી, પરંતુ સીધી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં છે. રાજ્યના ખૂણેખૂણેથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે, જ્યાં નકલી પનીર, દૂધ, ઘી, ચીઝ અને દવાઓ પણ વેચાઈ રહી છે. તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોની વધતી માંગનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યા છે.

તાજેતરના બનાવો પર નજર કરીએ તો, વલસાડમાંથી 4600 કિલોથી વધુનો શંકાસ્પદ હિંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત ₹26 લાખથી વધુ હતી. ઉમરગામ જીઆઈડીસીમાંથી સીઝ કરાયેલી આ હિંગ એવરેસ્ટ કંપનીના નામે જોબવર્ક કરાતી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂના લઈને તપાસ કરતા તેમાં અર્કનું પ્રમાણ નિયત માત્રામાં ન હોવાનું બહાર આવ્યું, જેના પગલે FSSAI દ્વારા એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુકાયો છે. આ પ્રકારની ભેળસેળયુક્ત હિંગ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને પેટ સંબંધી ગંભીર રોગો નોતરી શકે છે.

જામનગરમાં ફૂડ વિભાગે સપાટો બોલાવીને 152 જેટલા એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 14 એકમોને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અને વાસી ખોરાક રાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો. આ કાર્યવાહીમાં 353 કિલો વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને મીઠાઈ-ફરસાણ તેમજ દૂધની બનાવટોના 139 નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આવી 14 પેઢીઓને ₹22,500નો સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં પણ આવા જ દર્શન થયા, જ્યાં RMCના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા ચેકિંગ દરમિયાન ફરાળી વાનગીઓના નામે ગ્રાહકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો. જૈન સ્વીટ એન્ડ નમકીનમાંથી મકાઈના લોટમાંથી બનાવેલી 32 કિલો ફરાળી પેટીસનો જથ્થો ઝડપાયો અને તેનો નાશ કરવામાં આવ્યો. શહેરમાંથી 44 પેઢીઓની તપાસ થઈ અને 17 પેઢીઓમાંથી ફરસાણના નમૂના લેવાયા, જ્યારે ગંદકી અને લાયસન્સ મુદ્દે ત્રણ પેઢીઓને નોટિસ અપાઈ.

સુરતમાં એક પ્રસિદ્ધ પાવભાજી રેસ્ટોરાંમાં ગ્રાહકને વાસી કઢી અને ખરાબ લસ્સી પીરસવામાં આવતા કડવો અનુભવ થયો. ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાએ ત્વરિત કાર્યવાહી કરી રેસ્ટોરાં પર દરોડા પાડી ₹3000નો દંડ ફટકાર્યો અને ખાદ્ય સામગ્રીના સેમ્પલ લીધા. પોરબંદરમાં જન્માષ્ટમી નજીક હોવાથી ઘીની વધતી માંગ વચ્ચે છાયા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં વનસ્પતિ ઘીમાંથી ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી તેને શુદ્ધ ઘીના નામે વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું, જેમાં 50 બોક્સ વનસ્પતિ ઘી અને નવ ડબ્બા જપ્ત કરાયા.

આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા સક્રિય બની છે. હવે ખાદ્ય એકમોના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવાયા છે. આ ઉપરાંત, ફરસાણના એકમોમાં તેલની ગુણવત્તા ચકાસવા માટે ટીપીસી (Total Polar Compounds) મશીન પણ વસાવવામાં આવ્યા છે. ટીપીસી મશીન તેલની શુદ્ધતા માપે છે, જેમાં 0 થી 18.50 સુધીનો આંકડો શુદ્ધ તેલ, 19 થી 24 સુધીનો આંકડો ખરાબ તેલ અને 25થી વધુનો આંકડો આવે તો તેલ હાનિકારક હોવાનો સંકેત આપે છે. આ નિર્ણય ગ્રાહકોને પણ જાતે તેલની ગુણવત્તા ચકાસવાની સુવિધા પૂરી પાડે છે.

તંત્ર દ્વારા કાર્યવાહી અને લોકોમાં જાગૃતિના પ્રયાસો છતાં, સૌથી મોટો સવાલ એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ભેળસેળ પર આખરે ક્યારે સંપૂર્ણ અંકુશ આવશે. ગ્રાહકોએ પણ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે તેની ગુણવત્તા અને પેકિંગ ચકાસવામાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

CG રોડ પર હવે આડેધડ પાર્કિંગ નહીં, AMC દ્વારા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો પ્રારંભ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.