અમદાવાદમાં RTE હેઠળ એડમિશન અપાવવાના નામે લેભાગુ તત્વો સક્રિય થયા છે. ત્રણ હજાર રૂપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં એડમિશન લો તેવી જાહેરાતવાળી સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથેની પત્રિકા ફરતી કરાઈ છે. આ પત્રિકામાં ત્રણ હજાર રૂપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં પ્રવેશ અપાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
લેભાગુ તત્વોએ RTEની વેબસાઈટના બદલે પોતાની વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી શરૂ કરી છે. જેમા RTE CAFE નામની વેબસાઈટ બનાવી લોકો પાસેથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અને રૂપિયા મગાવવામાં આવે છે. હેતલ સોની નામની યુવતી RTE CAFE નામથી આ વેબસાઈટ ચલાવે છે. જેમાં પહેલા એડમિશન પ્રક્રિયા માટે એડવાન્સ 3 હજાર રૂપિયા આપવાના હોય છે અને એડમિશન ન થાય તો 1800 રૂપિયા પરત કરશે. તેવો દાવો કરાયો છે. વેબસાઈટમાં ઓફીસ ક્યાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અમારા સંવાદદાતાએ જ્યારે એક વાલી તરીકે આ વેબસાઈટ ચલાવનાર યુવતી હેતલ સોની સાથે વાત કરી ત્યારે પણ તેઓ એવો જ દાવો કરતા જોવા મળ્યા હતા કે અમે વધુમાં વધુ બાળકોને સારી રીતના પ્રવેશ કેવી રીતે મળી શકે તે દિશામાં પ્રયત્ન કરીએ છીએ. ખૂબ મોટા પ્રમાણમાં તેમની પાસે ફોર્મ આવી ચુક્યા છે આથી તેમનુ ફોર્મ લઈ શકે તેવી સ્થિતિમાં નથી.
ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારના લેભાગુ તત્વો ગરીબ બાળકોનો હક્ક મારી જાય છે. RTEનો લાભ ગરીબ પરીવારોમાંથી આવતા બાળકોને મળવો જોઈએ. પરંતુ આવા લેભાગુ તત્વોને કારણે ગરીબ બાળકો તેના લાભથી વંચિત રહી જાય છે. હેતલ સોનીએ RTE કાફે નામથી વેબસાઈટ તૈયાર કરી છે. જેમા દાવો કરાયો છે કે જે કુટુંબો તેમના બાળકોનું RTE અંતર્ગત મનગમતી ખાનગી શાળામાં એડમિશન અપાવવુ હોય તો તેના માટે RTE કાફેનો સંપર્ક કરે. એમના દ્વારા આ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે. તેના માટેની ફી 3000 રૂપિયા વસુલવામાં આવી રહી છે.
જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પત્રિકાને લઈને DEO રોહિત ચૌધરીનુ નિવેદન પણ સામે આવ્યુ છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યુ કે કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પ્રવેશ આપવાનો દાવો ન કરી શકે. કોઈપણ વાલીઓએ લોભ લાલચમાં ન આવે. RTEમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી ભરવાની નથી હોતી.
RTE હેઠળ ખાનગી શાળાએ 25 ટકા બેઠકો ફાળવવાની હોય છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયાની ફોર્મ ભરવાથી લઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે.
દરેક વાલીઓ RTE માટેના ફોર્મ આ rte.orpgujarat.com વેબાસઈટ પરથી જ ભરી શકે છે. જો કે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે જ્યારે મોટાભાગના વાલીઓ ટેકનોસેવી નથી હોતા. આથી આ ગરીબ બાળકોના વાલીઓને છેતરવા માટે વાલીઓને ગેરમાર્ગે દોરતી વેબસાઈટ બનાવી આર્થિક ઉચાપતનો મામલો સામે આવ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:15 pm, Sun, 16 April 23