અમદાવાદના હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરીયલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે. બ્રિજને મજબૂતી આપવા માટે M45 ગ્રેડની કોન્ક્રિટ વાપરવી જોઈએ તેના બદલે M15ના ગ્રેડની કોન્ક્રિટ વપરાઈ હતી.
2022માં જ બ્રિજનો પ્રાઈમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. રિપોર્ટ ફેલ થવા છતા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પગલા લેવાયા ન હતા. અજય એન્જી.ઈન્ફ્રા.પ્રા.લી દ્વારા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. બ્રિજનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનાર કંપની સામે પણ પગલા લેવાયા ન હતા. એટલુ જ નહીં AMCના કોઈ કર્મચારી સામે પણ પગલાં લેવાયા નહીં.
કહેવાય છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. હાટકેશ્વર CTMને જોડાતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાસે રહેતા સ્થાનિકોને આવો જ અનુભવ થયો છે. હાટકેશ્વરમાં જરૂરિયાત ન હોવા છતાં મસમોટો બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. જે બ્રિજ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે અભિશાપ બની ગયો છે.
જ્યારથી બ્રિજ બન્યો છે ત્યારથી તે બંધ હાલતમાં જ પડ્યો છે. બ્રિજ બનાવવા ઉપયોગમાં લેવાયેલી સામગ્રીમાં એવી તો ભેળસેળ થઈ કે બ્રિજ શરૂ થયાના અમુક મહિનાઓમાં જ બ્રિજ પર ગાબડા પડવાની શરૂઆત થઈ અને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો. ત્યારની ઘડી અને આજનો દિવસ, આ બ્રિજ શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે.
બ્રિજ બનવાને કારણે બ્રિજના નીચેનો રસ્તો સાંકડો થઈ ગયો છે. જેથી ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. આથી સ્થાનિકોએ બ્રિજને તોડવા ઉગ્ર રજૂઆતો કરી, પરંતુ તંત્રએ બ્રિજ તોડવાને બદલે સ્થાનિકોના ઓટલા તોડી નાખ્યા. જેને કારણે સ્થાનિકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે.
આપને જણાવીએ કે બ્રિજના નિર્માણ પાછળ ખર્ચેલા 40 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ બ્રિજના કામની વાત કરીએ તો અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રા.પ્રા.લિ.ને સોંપવામાં આવ્યું હતુ. આ બ્રીજની ડિઝાઈન ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરાઈ હતી. વર્ષ 2015માં આ બ્રીજનું કામ શરૂ કરાયું અને 30 નવેમ્બર, 2017ના રોજ બ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પણ આ બ્રીજની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે 5 વર્ષમાં 5 વખત બ્રીજ બંધ કરવામાં આવ્યો છે.