અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજભવનમાં રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ટ્રસ્ટીમંડળની બેઠક મળી હતી. જેમા આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવાનો નિયમ રદ કરવાનો અને હોસ્ટેલ મરજિયાત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ તેમના અધ્યક્ષસ્થાને મંડળની બીજી બેઠક મળી હતી. કુલપતિ અને કુલનાયક ઉપરાંત 14 ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠના અમદાવાદ સહિતના ત્રણેય કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિદ્યાપીઠ દ્વારા વર્ષ 2007માં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનું ફરજિયાત કરાયુ હતુ. આ નિયમને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ પણ ઉઠ્યો હતો અને સમયાંતરે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. હોસ્ટેલને લઈને અનેક પ્રશ્નો પણ વારંવાર સામે આવતા હતા. અંતે 16 વર્ષ બાદ વિદ્યાપીઠે છાત્રાવાસ સ્વૈચ્છિક રાખવાનો ઠરાવ કર્યો છે. હાલ વિદ્યાપીઠની હોસ્ટેલોમાં 2700 વિદ્યાર્થી છે. મંડળની વિવિધ કામગીરી તથા વ્યવસ્થાકીય બાબતો માટે સમીક્ષા સમિતિની રચના કરી તેના ચેરમેન તરીકે ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલને મુકાયા છે અને સરકાર સમર્થિત અન્ય સભ્ય દિલીપ ઠાકર તથા મંડળના બે જૂના સભ્યોને કમિટીમાં મુકાયા છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ ગાનનું કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું લોકાર્પણ
ફરજિયાત હોસ્ટેલના નિયમને કારણે અમદાવાદમાં જ રહેતા હોય અને વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડતી હતી. આ નિયમને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને વિના કારણ હોસ્ટેલની ફી ભરી હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. હવે ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ થતા સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 2:53 pm, Tue, 28 March 23