અમદાવાદ: વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો કે તેમણે બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરી હતી. કોર્ટે ઉધડો લેતા પૂછ્યુ કે હંમેશા દુર્ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે. કોર્ટે એ પણ ટકોર કરી કે તમે ભલે 100 પગલા લીધા હશે પરંતુ એ પૂરતા નથી. શું એક્શન લીધા તે મહત્વનું છે. કોર્ટે કોર્પોરેશન પાસે તમામ ઘટનાક્રમ અંગે ખૂલાસો માગ્યો છે.
હાઈકોર્ટે માર્મિક ટકોર કરી કે 2 શિક્ષકના મોત થયા છ. પરિવારના કમાતા વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે માત્ર સરકારે જ નહીં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર પણ વળતર ચુકવે તેવો આદેશ પણ કોર્ટ મિત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હરણી દુર્ઘટના મામલે હજુ સુધી રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સોંપ્યો નથી, સરકારના કડક આદેશ છતા વડોદરા કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસ માગ્યા છે. કલેક્ટર એ.બી. ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માગ્યો છે. ગઈકાલે કલેક્ટરે રિપોર્ટ સોંપવાનો હતો જો કે હજુ કેટલીક વિગતો મેળવવાની બાકી હોવાનું જણાવાયુ છે. ગૃહરાજ્યમંત્રીએ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કડક આદેશ આપ્યા હતા. આ ઘટનાના 10 દિવસ બાદ પણ તંત્ર દ્વા્રા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને વ્યક્તિગત સોગંધનામુ દાખલ કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કોર્પોરેશનની કામગીરીને લઈને પણ ટકોર કરતા કહ્યુ કે આ સંપૂર્ણ રીતે કોર્પોરેશનના સુપરવિઝનનો અભાવ છે. કોર્ટે શાળાઓને પણ ટકોર કરી કે શાળાઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોને ક્યાંય લઈ જવામાં આવે ત્યારે શું કાળજી રાખવાની હોય તે સમજવુ જોઈએ. આ સાથે કોર્ટે રાજ્ય સરકારને તમામ શાળાઓ માટે અધિસૂચના જારી કરવા આદેશ કર્યો છે. બોટ દુર્ઘટના મામલે હવે વધુ સુનાવણી 3 સપ્તાહ બાદ મુકરર કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં હરણી બોટ દુર્ઘટના મામલે 14 પન્નાની સુઓમોટો અરજી કરવામાં આવી છે. જેમા સરકાર દ્વારા આજે સોગંધનામુ રજૂ કરવામાં આવ્યુ હતુ. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને આ સોગંધનામાને બેદરકારીપૂર્વકનું સોગંધનામુ ગણાવ્યુ છે.