AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)એ શુક્રવારે 2013માં એક મહિલા દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામ ( Asaram)ની જામીન અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગર સેશન્સ કોર્ટને આ કેસની સુનાવણી ચાર મહિનામાં પૂર્ણ કરવા આદેશ કર્યો છે. આસારામની લગભગ 15 જામીન અરજીઓ નીચલા સ્તરથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ફગાવી દેવામાં આવી છે.
ન્યાયાધીશ એ.જે.દેસાઈએ પ્રોસિક્યુશન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને પગલે જામીન અરજી ફગાવી દેતા ગાંધીનગર સેશન્સ કોર્ટને ચાર મહિનામાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. સુરતની એક મહિલાએ આસારામ સામે જાતીય શોષણ (Sexual abuse)નો કેસ નોંધાવ્યો છે. મહિલાનો આરોપ છે કે 1997થી 2006 દરમિયાન મોટેરા આશ્રમમાં તેના રોકાણ દરમિયાન આસારામે તેનું જાતીય શોષણ કર્યું હતું.
વધુ ઉંમર અને તબિયત બગડતી હોવાનું જણાવ્યું હતું
એડવોકેટ દીપક પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીમાં આસારામે આ આધાર પર રાહતની માંગ કરી હતી કે તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે અને તેમની તબિયત બગડી રહી છે. CBIના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે આસારામ લગભગ આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે. જ્યારે પણ તેમની તબિયત લથડતી અને સારવારની જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે હંમેશા AIIMS જોધપુરના ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવે છે.
AIIMSના રિપોર્ટ મૂજબ તબિયત સામાન્ય
CBIના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે AIIMSના મેડિકલ રિપોર્ટમાં તેમની તબિયત સામાન્ય જાહેર કરવામાં આવી છે. આસારામ વિરુદ્ધ જુબાની આપનાર સાત લોકો પર ભૂતકાળમાં હુમલા થયા છે. જેમાંથી બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં આસારામને જામીન ન આપવા જોઈએ.
બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બળાત્કારના બે કેસમાં આજીવન કેદ સહિત જુદી જુદી સજા ભોગવી રહ્યાં છે. જેલમાં ગયા બાદથી આસારામની તબિયત ઘણી વખત બગડી છે. તબિયતને ટાંકીને તેમણે અનેક વખત જામીન અરજી કરી છે.
હાલમાં જ આસારામના અનુયાયીઓ દ્વારા કેટલાક પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મહંત નરેન્દ્રગીરીની જેમ ખતમ કરી દેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રયાગરાજના બાબાની જેમ આસારામના નજીકના લોકો તેમને ખતમ કરી શકે છે.
આ પણ વાંચો : MEHSANA : ઊંઝામાં નકલી જીરું બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ, 3200 કિલો બનાવટી જીરુંનો જથ્થો જપ્ત
આ પણ વાંચો : ગીર સોમનાથના લોઢવા ગામે માઈનિંગ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, અંબુજા કંપની અને ગુજરાત સરકારને SCએ નોટીસ ફટકારી