
ગુજરાતમાં કોરોના વાયરસના સંભવિત ખતરાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સતર્ક બની છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં બે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અસારવા સિવિલ તંત્ર સજ્જ થયું છે. જે અંતર્ગત 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે. તેમજ 1200 બેડ હોસ્પિટલ પાસે ઓક્સિજન જનરેટર પ્લાન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા એન્જિનિયર અને તબીબોએ સાથે મળીને ઓકિસજન પ્લાન્ટનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું.. મોકડ્રીલ દરમિયાન પ્લાન્ટ ચાલુ કરી ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 600થી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જેમાં સોલા સિવિલમાં દૈનિક 6 હજાર અને અસારવા સિવિલમાં 20 હજાર લીટર ઓક્સિજન ઉપલબ્ધ છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કમીને કારણે અનેક દર્દીઓના મૃત્યુ થયા હતા. આવી સ્થિતિ ફરી ના સર્જાય તે માટે ઓક્સિજન સહિતની વ્યવસ્થા ચકાસવા સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ હતી.
જયારે આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે સમીક્ષા કરી હતી. કોરોનાના સંભવિત ખતરાને પહોંચી વળવા સોલા સિવિલ હોસ્પિટલમાં કેવી તૈયારીઓ છે તેનો તેમણે તાગ મેળવ્યો હતો. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવનું કહેવું છે કે રાજ્ય સરકાર કોરોનાના સંભવિત ખતરા અને નવા વેરિયન્ટ સામે લડવા સજ્જ છે.સાથે જ કોરોનાની રસીની જે તંગી સર્જાઈ છે તેને પહોંચી વળવા માટે સરકાર વેક્સિનના ઉત્પાદકો સાથે સતત સંપર્કમાં છે.
આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં પણ કોવિડની સ્થિતિને લઇને મોક ડ્રીલ યોજાઇ હતી. જેમાં પ્રધાન જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર સહિતના અધિકારીઓએ SVP હોસ્પિટલ પહોંચી બેડ, વેન્ટીલેટર અને દવાઓની ઉપલબ્ધતા અંગે ચકાસણી કરી હતી. સમીક્ષા બાદ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે જો ભારતમાં કોરોનાના કેસો વધે તો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ રહે તેના માટે દરેક હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઇ હતી.
SVPમાં આઇસીયુ બેડ, ઓક્સિજન, કોવિડ દર્દીઓ માટે અલગથી ભોજન સહિતની વ્યવસ્થાઓની તૈયારી કરવામાં આવી છે. SVPમાં હાલ 400થી વધુ કોવિડ અને 90 જેટલા આઇસીયુ બેડ તૈયાર છે.તો શહેરના 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર પણ પૂરતી દવાઓ અને વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે
Published On - 4:59 pm, Tue, 27 December 22