
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026’ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગસ્નેહી બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે વિધાનસભા ગૃહમાં બિલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના વિઝનને સાકાર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વ્યવસાય અને રોકાણ માટેની પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મંત્રીના જણાવ્યા અનુસાર, આ બિલનો મુખ્ય હેતુ ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી કમ્પ્લાયન્સ બોજ ઘટાડવાનો છે. સાથે જ સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ, જોખમ આધારિત વ્યવસ્થા અને ટેક્નોલોજી આધારિત વહીવટી પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓ માટે ફરજિયાત પૂર્વ મંજૂરી અને ભૌતિક સંપર્કની જરૂરિયાત ઘટાડીને સરકાર ‘ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ’ તરફ આગળ વધશે.
આ વિધેયક હેઠળ રાજ્યના પાંચ અલગ-અલગ કાયદાઓની કુલ 12 જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓને એક જ માળખા હેઠળ લાવવાથી પ્રક્રિયા સરળ બનશે અને સરકારી તંત્ર તથા નાગરિકો બંનેનો સમય બચશે.
‘ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013’માં સુધારા હેઠળ અગ્નિ સલામતીના ધોરણોને વધુ જોખમ આધારિત અને કામગીરી આધારિત બનાવવામાં આવશે. બિલ્ડિંગના પ્રકાર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિયમોને સુસંગત બનાવવામાં આવશે, જેથી જરૂરી સલામતી જળવાઈ રહે અને બિનજરૂરી કમ્પ્લાયન્સ ખર્ચમાં ઘટાડો થઈ શકે.
‘ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2019’ હેઠળ દુકાનો અને સંસ્થાઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ સરળ બનશે. સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણની વ્યવસ્થાથી પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત દુકાનો અને સંસ્થાઓને અઠવાડિયાના કોઈપણ દિવસે 24 કલાક કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, કામદારોના કામના કલાકો, આરામના અંતરાલ અને રોજગારની શરતો અંગેના લાગુ કાયદાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. એટલે કે 24×7 કામગીરીની સુવિધા સાથે કામદારોના હક્કો અને સુરક્ષાને પણ યથાવત રાખવામાં આવશે.
‘ગુજરાત MSME ફેસિલિટેશન એક્ટ, 2019’માં કરવામાં આવેલા સુધારાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત બનાવવામાં આવશે. સહકારી, વીજળી, GIDC અને સિંચાઈ સહિતના વધારાના આઠ રાજ્ય કાયદાઓને પણ ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરવામાં આવ્યા છે.
‘ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967’માં સુધારા બાદ અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે ગુજરાતમાં નોંધણી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. સ્વ-ઘોષણાના આધારે નોંધણીની પ્રક્રિયા સરળ થતાં તબીબી સેવાઓ અને તબીબોની પ્રોફેશનલ મોબિલિટીમાં ઝડપ આવવાની અપેક્ષા છે.
‘ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013’ હેઠળ ટેક્નોલોજી આધારિત ‘ઓટો-અપીલ’ અને ‘ઓટો-એસ્કેલેશન’ મિકેનિઝમ અમલમાં આવશે. જો કોઈ સરકારી સેવા અથવા ફરિયાદનો નિકાલ નિર્ધારિત સમયમર્યાદામાં નહીં થાય, તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચશે. આ વ્યવસ્થાથી સરકારી સેવાઓમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047’ના સંકલ્પ સાથે જાહેર કરાયેલી ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 અને તાજેતરમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ્સની પૃષ્ઠભૂમિમાં આ સુધારા મહત્વપૂર્ણ છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે પણ આ કાયદાકીય સુધારા મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
સરકારના જણાવ્યા અનુસાર, જાહેર સલામતી, કામદારોના અધિકારો અને જાહેર આરોગ્ય સાથે કોઈ સમજૂતી કર્યા વિના બિનજરૂરી પ્રક્રિયાત્મક જટિલતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલાથી ગુજરાતમાં રોકાણ અને ઉદ્યોગો માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું થવાની અપેક્ષા છે.
‘Reform, Perform and Transform’ના મંત્ર સાથે રાજ્ય સરકાર ગુજરાતને વધુ સરળ, ઝડપી અને ઉદ્યોગસ્નેહી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. સરકારનું માનવું છે કે આ બિલથી રાજ્યમાં રોકાણ, ઉદ્યોગસાહસિકતા અને રોજગારને પ્રોત્સાહન મળશે.
ગુજરાત પહેલેથી જ રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026’ને રાજ્યમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ અને ‘ઈઝ ઓફ લિવિંગ’ને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026’ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું, તમામ ક્રૂ સભ્યોનો સફળ બચાવ, જુઓ Video