
ગુજરાતમાં જાહેર બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થો શાકાહારી છે કે માંસાહારી તે જાણવા માટે નિયમ મુજબ લીલા અથવા લાલ કલરનું લેબલ લગાવવામાં આવે છે પરંતુ શું લીલા કલરનું લેબલ લગાવ્યા બાદ પણ તે ખાદ્ય પદાર્થ શાકાહારી જ છે તેની શક્યતાઓ કેટલી છે અંગે અનેક સવાલો ઉભા થયા છે. જેના પગલે મુંબઈ જીવદયા મંડલી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે ખુલ્લા બજારમાં વેચાતા લીલા લેબલના પદાર્થોમાં પણ ઈંડા અથવા તો અન્ય માસાહારી પદાર્થો નો ઉપયોગ કરવામાં આવે છે તે જ મામલે ગુજરાત હાઇકોર્ટ અગાઉ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે આવા પ્રકારના કિસ્સાઓમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે કોઈ માપદંડ છે કે કેમ.
આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું કે આવા પ્રકારના કિસ્સાઓમાં રાજ્ય સરકાર પાસે કોઈ સુવિધા કે અન્ય માપદંડ નથી કે જેનાથી ચકાસી શકાય કે જે તે પદાર્થ શાકાહારી છે કે માંસાહારી પરંતુ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એવી પણ રજૂઆત કરી છે કે ખાદ્ય પદાર્થો ની શુદ્ધતા ચકાસવા માટે યોગ્ય કામગીરી વિકસાવવામાં આવી રહી છે.
જેમાં તેના માપદંડો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ હાલ જોવાઇ રહી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા જવાબ મામલે ગુજરાત હાઇકોર્ટે હવે કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માંગ્યો છે અને કેન્દ્ર સરકારને વિગતવાર સોગંદનામુ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે.ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને 27 માર્ચ સુધીમાં વિગતવાર સોગંદનામુ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે આ કેસની વધુ સુનવણી 27 માર્ચે હાથ ધરાશે.
Published On - 4:18 pm, Tue, 28 February 23