અમદાવાદમાંથી ફરી એક વાર ડ્રગ્સના ( Drugs Peddler )જથ્થા સાથે એટીએસ (ATS)દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ પાસેથી 80 ગ્રામ MD, 325 ગ્રામ ચરસ અને સાડા ત્રણ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ અમરેલી જિલ્લાના રાજુલાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ શખ્સ પાસેથી પોલીસ પૂછપરછમાં વધારે માહિતી પ્રાપ્ત થશે કે આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો.
અમદાવાદ છેલ્લા કેટલાય સમયથી જાણે ડ્રગ્સની હેરફેરનું હબ બની ગયું હોય તેમ અહીં ડ્રગ્સ પેડલરના ઝડપાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતમાં વસ્ત્રાપુરમાંથી જ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરાત લોકોને પોલીસે ઝડપ્યા હતા. વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે 421.16 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંધજન ચાર રસ્તા પાસે આવેલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ (BRTS) પાસે જાહેરમાં કેટલાક લોકો આ પ્રકારે વેચાણ કરી રહ્યા છે આ બાતમીને આધારે પોલીસ 2 આરોપીને ઝડપવામાં સફળ રહી હતી. જેને આધારે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
તો આવી જ એક ઘટનામાં ચાર દિવસ અગાઉ પણ અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ નજીકથી MD ડ્રગ્સનો નશો કરતી યુવતીને 4 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવી હતી. યુવતીએ જુહાપુરાના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સની ખરીદી કરી હતી અને આ યુવતી ડ્રગ્સનું સેવન કરવાની સાથે વેચાણ પણ કરતી હતી. આ યુવતી ચાંદખેડાની રહેવાસી છે. છેલ્લા 6 માસથી ડ્રગ્સનો નશો કરી રહી હતી. મૂળ કાશ્મીરની યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા. હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલમાં જીવવા યુવતી ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી.