AHMEDABAD : અમદાવાદમાં ઓવર સ્પીડ વાહન ચલાવતા લોકોની હવે ખેર નહીં… ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા લોકો સામે ટ્રાફિક વિભાગ એક્શનમાં છે, તેમજ ઓવર સ્પીડને કંટ્રોલ કરવા વસાવેલ ઇન્ટરસેપ્ટર વાહનોને જગ્યા ફળવવામાં આવી છે.જે શહેરના 6 સ્થળો પર નજર રાખશે.શહેરમાં 6 સ્થળે ઇન્ટરસેપ્ટર વાહનો રાખી ઓવર સ્પીડ વાહનો સામે આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઇન્ટરસેપ્ટર વાહન સાથે હાઇવે પેટ્રોલિંગ અને ટાસ્કફોર્સના વાહનો પણ સાથે રહેશે.આ સાથે માર્ગ પર અકસ્માતમાં ભોગ બનેલા કે વાહનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવશે.
અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ કેશવબાગ ત્રણ રસ્તાથી માનસી સર્કલ થઈ જજીસ બંગલા ચાર રસ્તાથી સીધા સિંધુભવનના સમગ્ર જતા-આવતા માર્ગ પર રહેશે નજર. તો સરદાર પટેલ ચાર રસ્તાથી સીધા વિજય ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તા થઈ જમણી બાજુ વળી અંધજન મંડળ ચાર રસ્તાથી વસ્ત્રાપુર તળાવ અને એસ.જી.હાઇવે સુધીના માર્ગ પર રહેશે નજર.તો નહેરુનગર સર્કલથી સીધા શિવરંજની બ્રીજ નીચે થઇ ઇસ્કોન ચાર રસ્તા સુધીના સમગ્ર જતા-આવતા માર્ગ પર ઈન્ટરસેપ્ટર વાહનો તેમજ પેટ્રોલિંગ અને ટાસ્ક ફોર્સ રહેશે.
સમગ્ર એસ.જી.હાઇવે પર પકવાન ચાર રસ્તાથી લઈ આનંદનગર તરફ જતા – આવતા માર્ગ પર ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોવાની અગાઉ ફરીયાદો મળી હતી, જેની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં આવતાં મેમકો ચાર રસ્તાથી સીધા બાપુનગર અને અમરાઇવાડી ખોખરા સર્કલ સુધીનો માર્ગ તથા પુર્વ વિસ્તારનો સમગ્ર એસ.પી. રીંગ રોડ અને નરોડા પાટીયાથી નારોલ સર્કલ સુધીના સમગ્ર જતા-આવતા માર્ગ પર મોડી રાતે ઓવર સ્પીડ ડ્રાઇવિંગ તથા ‘ધુમ સ્ટાઇલ’ માં બાઇક રેસીંગ કરી સ્ટંન્ટ કરતા ચાલકોની ફરીયાદો મળી હતી.જ્યાં હવે પોલીસની ચાંપતી નજર રહેશે.
31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને આ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં વાહનોની ઉપર પણ સીસીટીવી કેમેરા લાગેલા રહેશે.જે રસ્તા પર અસામાજિક તત્વો ઉપર પણ નજર રાખશે.
આ પણ વાંચો : BANASKANTHA : દાડમના ઓછા ભાવોએ ખેડૂતોને રડાવ્યા, એક ખેડૂતે કહ્યું, “મરવાનો વારો આવ્યો”
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 177 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 948 થયા
Published On - 9:24 pm, Sun, 26 December 21