Ahmedabad : કોર્પોરેટર (Corporator) દ્વારા પ્રજાલક્ષી કામો માટે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આ જ ગ્રાન્ટ વપરાયા પછી તે વસ્તુ કે વ્યવસ્થાનો લાભ લોકો સુધી પહોંચ્યો છે કે કેમ તે જોવાની દરકાર કોર્પોરેશનના અધિકારીઓ લેતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પણ આ જ પ્રકારની હાલત જોવા મળી છે.
આ પણ વાંચો Ahmedabad : અમરાઈવાડીમાં દુકાનદાર સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી, બેન્ક ખાતામાંથી ઉપડી ગયા 89 હજાર રૂપિયા
વોટર કુલર નવા છે અને ધૂળ ખાઈ રહ્યા છે તે તેની સ્થિતિ પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ ચોકાવનારી બાબત એ છે કે વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી સ્થાનિક કુબેરનગરના કોર્પોરેટર નકુલસિંહ તોમર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હતી જેમાંથી બે વોટર કુલર લેવામાં આવ્યા, તેમ છતાં 2021ના ખરીદાયેલા વોટર કુલરમાં હજુ સુધી નળ લગાવવામાં જ આવ્યા નથી કે પછી કુલરનું પેકિંગ પણ દૂર કરવામાં આવ્યું નથી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે કોર્પોરેશન સંચાલિત શાળાના દ્રશ્યો ખરેખર ચોકાવનારા છે.
કુબેરનગરના કોર્પોરેટર નકુલસિંહ તોમરનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમના જ બજેટમાંથી વર્ષ 2021માં અલગ અલગ શાળાઓમાં વોટર કુલર આપવામાં આવ્યા હતા. જેમાં કુબેરનગરની શાળા નંબર 1 અને 2માં આપવામાં આવેલ વોટર કુલર હજી સુધી પેક હાલતમાં જોવા મળી રહ્યા છે વોરંટી પૂર્ણ થઈ ચૂકી પરંતુ કુલરનો વપરાશ થયો જ નહીં.
એક તરફ નવા નકોર વોટર કુલર પડેલી હાલતમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ બાળકો પાણીની ટાંકીમાંથી સીધું જ પાણી પીવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે. આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચાયેલ રૂપિયાનું અહીં પાણી થયેલું સ્પષ્ટ જોવા મળે છે. નકુલસિંહ તોમરનો સ્પષ્ટ આક્ષેપ છે કે કુબેરનગર શાળાની જેમ શહેર બહારની શાળાઓમાં આ જ પ્રકારે કોર્પોરેટર દ્વારા અપાયેલ ગ્રાન્ટમાંથી અપાયેલી વસ્તુઓની તપાસ કરવામાં આવે તો અનેક વસ્તુઓનો ઉપયોગ થયો ન હોય તેવું જાણવા મળી શકે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ સુજય મહેતાને tv9ની ટીમ દ્વારા આ બાબતે અવગત કરાયા તો તેઓ બચાવમાં આ કામગીરી અન્ય વિભાગની હોવાનું જણાવ્યું હતું, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે મ્યુનિસિપલ સ્કૂલમાં નવા કુલર પડી રહ્યા હોય અને તેને મહિનાઓ વીતી જાય તો તે જવાબદારી સ્કૂલના સભ્યો તેમજ સ્કૂલ બોર્ડના અધિકારીઓની રહેતી હોય છે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેનની વાત માનીએ તો આખરે એક બાબત સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ દ્વારા નિયમિત રીતે મ્યુનિસિપલ શાળાનું સુપર વિઝન કરવામાં આવતું નથી સમયાંતરે શાળાનું ઇન્સ્પેક્શન અને ચેકિંગ કરવામાં આવતું હોય તો આ પ્રકારની બેદરકારી સામે ન આવે અને બાળકોને ખર્ચાયેલ રૂપિયાનું યોગ્ય રીતે વ્યવસ્થા મળી રહે, પરંતુ કોર્પોરેશનમાં માત્ર ખર્ચ કરવાનો જ રિવાજ છે. ખર્ચ કર્યા પછી વસ્તુનો વપરાશ કેટલો તે જોવામાં અધિકારીઓને સહેજ પણ રસ જણાતો નથી તે આ બાબતથી સ્પષ્ટ થાય છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો