ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલ હારના કારણો જાણવા માટે કોંગ્રેસે રચેલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો અમદાવાદ પહોંચ્યા. પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર-જિલ્લો અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો અને જીતેલા પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠકો કરવામાં આવી. જ્યાં પક્ષની નીતિ અને ઈવીએમ પર હારનું ઠીકરું ફોડવામાં આવ્યું.
વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એ રચેલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યોએ આજથી બે દિવસીય બેઠકોની શરૂઆત કરી. હાર માટેના સાચા કારણો સામે આવી શકે એ માટે કમિટીએ સામુહિક મળવાને બદલે ઉમેદવારો અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી.
ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ કોંગ્રેસની હારના કારણો રજૂ કરતા ઉમેદવારોએ જણાવ્યું કે કોંગ્રેસનું નબળું સંગઠન, બુથ મેનેજમેન્ટ તેમજ ભાજપે કરેલ બાહુબલ, ધનબળ અને સત્તાના દુરૂપયોગના કારણે હાર થઈ છે તો કેટલાક ઉમેદવારોએ દોષનો ટોપલો ઇવીએમ પર પણ ઠાલવ્યો હતો.
ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઉમેદવારોને કોંગ્રેસના નેતાઓની સક્રિયતા અને ભૂમિકા અંગે પ્રશ્નો કરતા અનેક લોકોએ ફરિયાદ પણ કરી હતી. હારેલા ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું કે પાર્ટી ગંભીર રીતે પરિણામનું વિમર્શ કરી રહી છે. કેજરીવાલના આવવાથી ભાજપ વિરોધી મતો બે ભાગમાં વહેંચાયા અને કોંગ્રેસને 50 બેઠકો પર નુકસાન થયું.
ભાજપના બંને મુખ્ય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી સમયે મોટાભાગે ગુજરાતમાં રહ્યા, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં વધારે સમય આપવાની જરૂર હતી. કમિટીને અનેક જગ્યાઓ પરથી કોંગ્રેસના સંગઠન હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ કોંગ્રેસ ઉમેદવારને હરાવવા કામ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ પ્રાપ્ત થઈ છે. જેમની સામે કાર્યવાહીની પણ માંગ ઉમેદવારોએ કરી હતી.
દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી વિજેતા શૈલેશ પરમારે જણાવ્યું કે પાર્ટી વિરુદ્ધ કામ કરનારને સસ્પેન્ડ કરવા જોઈએ, જો આ લોકોને સસ્પેન્ડ નહીં કરાય તો પાર્ટીને હજુ વધારે નુકસાન થઈ શકે છે, કોંગ્રેસે ફરીવાર સક્રિય થવું હશે તો કડક હાથે કામ લેવું જ પડશે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી તમામ ઉમેદવારોને મળ્યા બાદ પોતાનો અહેવાલ તૈયાર કરી હાઈકમન્ડને સુપરત કરશે, જેના આધારે આગામી સમયે કોંગ્રેસની રણનીતિ અને ભૂલોને સુધારવા પ્રયત્નો શરૂ થશે.
Published On - 8:55 pm, Mon, 16 January 23