VIRAMGAM : વિરમગામ નગરપાલિકામાં હોબાળો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચીફ ઓફિસરનું રાખ્યું બેસણું

| Edited By: | Updated on: Oct 12, 2021 | 4:22 PM

કૉંગ્રેસે 8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. 8 દિવસમાં પડતર પ્રશ્નોની નિરાકરણ નહીં કરવામાં આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

VIRAMGAM : અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકામાં હોબાળો જોવા મળ્યો હતો.વિરમગામ શહેર કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરનું બેસણું યોજી સુત્રોચ્ચાર કર્યા હતા.. કૉંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાને તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે કૉંગ્રેસના પ્રમુખ સુધીર રાવલ અને કાર્યકર્તાની અટકાયત કરી હતી. કૉંગ્રેસે 8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. 8 દિવસમાં પડતર પ્રશ્નોની નિરાકરણ નહીં કરવામાં આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આ અંગે વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી વિરમગામ નગરપાલિકા દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. આ રસ્તો બનાવવા માટે અનેકવાર ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે. સંકલનમાં કલેકટર સમક્ષ પણ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. પણ વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર આંખ આડા કાન કરી રહ્યાં છે. આજે વિરમગામ શહેર કોંગ્રેસ, NSUI, અને યુથ કોંગ્રેસ દ્વારા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરનું બેસણું કરવામાં આવ્યું છે.

તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ચીફ ઓફિસર મૃત અવસ્થામાં હોય એમ કોઈની રજૂઆત સાંભળતા નથી. તેમણે કહ્યું વિરમગામના વેપારીઓ અને નાગરીકો કઈ રીતે હેરાન થાય એના પર જાણે કે PHD કરે છે. તેમણે કહ્યું વિરમગામની સુખાકારી વિશે કોઈ નિરાકરણ લાવતા નથી. તેમણે કહ્યું કે આજે અમે અલ્ટીમેટમ આપ્યું છે અને 8 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ધારાસભ્યની આગેવાનીમાં ઉપવાસ આંદોલન કરીશું.