મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર 54 કિલોમીટર 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યુ

|

Apr 22, 2022 | 3:35 PM

CMએ ઉમેર્યું કે, કેશુભાઈ પટેલે વિકાસનો જે પાયો નાખ્યો હતો તેને નરેન્દ્રભાઇ મોદીએ આધુનિકતાનો ઓપ આપ્યો હતો. ત્યારબાદ આનંદીબેન પટેલ તેને વેગ આપ્યો, વિજયભાઈ રૂપાણીએ ગતિ આપી અને હવે આજે ભૂપેન્દ્ર પટેલ તેની પ્રગતિ આપી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર 54 કિલોમીટર 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યુ
Chief Minister Bhupendra Patel inaugurated Bagodra-Tarapur 54 km six lane road

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટીવિટી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, સહિતની કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે. તેણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા (Bagodra-Tarapur)બગોદરા-તારાપૂર-વાસદ 54 કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન (Six lane)કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું.

રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ બગોદરા-તારાપૂર-વાસદના સમગ્ર માર્ગને 6 લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય કરીને તારાપૂર-વાસદ માર્ગની રૂ. 1005 કરોડના ખર્ચે 6 લેન કામગીરી ઓક્ટોબર-2021માં પૂર્ણ કરી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતીમાં આજે આ માર્ગના પેકેજ-1 ની રૂ. 649 કરોડના ખર્ચે પૂર્ણ થયેલી બગોદરાથી તારાપૂરના 54 કિલોમીટર માર્ગની 6 લેન કામગીરીનું લોકાર્પણ સંપન્ન કર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં વિકાસને નવી ગતિ આપીને નીત નવા સિમાચિન્હો હાંસલ કરી રહ્યું છે. વિકાસની રાજનીતિથી છેવાડાના અંતરિયાળ ગામોના લોકોને પણ રોડ-રસ્તા, પાણી, શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાથી સાંકળી લઇને વિકાસ કોને કહેવાય તે આપણે લોકોને બતાવી દીધુ છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવે લોકોએ પણ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ વાત સ્વીકારી લીધી છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇએ વિકાસની સ્પર્ધાનો યુગ શરૂ કરાવ્યો છે અને છેક છેવાડાના માનવી સુધી સુખ, સુવિધા પહોંચાડવાના કરોડો રૂપિયાના વિકાસ કામોથી લોકોને સાંકળ્યા છે. વિકાસની પ્રાથમિક શરત એવી ત્રણ મુખ્ય બાબતો શિક્ષણ, સ્વાસ્થ્ય અને શાંતિને પણ સરકારે અગ્રતા આપી છે, એમ તેમણે ઉમેર્યુ હતું

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, ગ્રામીણ ક્ષેત્રોને પણ પાકા રસ્તાની સુવિધા આપવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં 13700 કિલોમીટરના ગ્રામ માર્ગોના રૂ. 4086 કરોડના કામો બે દાયકામાં પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજકોટ હાઇવે 6 લેન થઈ રહ્યો છે, સરખેજ-ગાંધીનગર હાઇવે 6 લેન બનવાની તૈયારીમાં છે અને ગામડાઓને પણ વધુમાં વધુ રોડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યા છે.

કોરોના મહામારીમાં પણ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતનો વિકાસ અટક્યો નથી. નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક વ્યવસ્થાની સાથો સાથ દરેકના જીવનનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે, તેના કારણે જ સમગ્ર વિશ્વમાં વિઝનરી લીડર તરીકે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત થયા છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. બગોદરાથી તારાપુર 54 કિલોમીટરના છ માર્ગીય રસ્તાનું લોકાર્પણ થકી ગુજરાતના વિકાસની હરણફાળનું વધુ એક ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાસદથી તારાપુર 47 કિલોમીટર અને તારાપુરથી બગોદરા 54 કિલોમીટર એમ બે ભાગમાં કુલ 101 કિલોમીટરનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ રસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના લાખો નાગરિકોને અવરજવર માટે એક સેતુરૂપી સાબિત થવાનો છે.

પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે, વિકાસ પુરૂષ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણા સૌની ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ 4 અને 6 માર્ગીય રસ્તાના ઝડપથી નિર્માણની નેમ સાથે આગળ વધી રહ્યો છે.

રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટીવિટીને સુદ્રઢ કરવાની નેમ સાથે માર્ગ અને મકાન મંત્રીએ ઉમેર્યું કે, આવનારા સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે વિખુટા પડી જતા હોય તેવા ગામોમાં કોઝ-વે વિયર, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડામરનો રસ્તો ન હોય તેવા ગામોમાં આઝાદી બાદ પ્રથમવાર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, આજે આપણે જે વિકાસ જોઈ રહ્યા છે તેનો પાયો ભાજપના શાસનમાં કેશુભાઈ પટેલે નાખ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, કેશુભાઈ પટેલે વિકાસનો જે પાયો નાખ્યો હતો તેને નરેન્દ્રભાઇ મોદીએ આધુનિકતાનો ઓપ આપ્યો હતો. ત્યારબાદ આનંદીબેન પટેલ તેને વેગ આપ્યો, વિજયભાઈ રૂપાણીએ ગતિ આપી અને હવે આજે ભૂપેન્દ્ર પટેલ તેની પ્રગતિ આપી રહ્યા છે.

માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી વસાવાએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ કચ્છને જોડતો આ છ માર્ગીય રસ્તો પરિવહનને સરળ બનાવશે.

તેમણે ઉમેર્યું કે રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4 અને 6 લેન કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે, આમ સમગ્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારને પરિવહન થકી જોડવાનું કામ થઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, બગોદરા – તારાપુર છ માર્ગીય રસ્તો સૌરાષ્ટ્ર ઝોનને અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતા સૌથી ટૂંકા છ માર્ગીય રસ્તાનો અનુભાગ છે. આ રસ્તા ઉપર ત્રણ મોટા પુલ, એક રેલવે ઓવરબ્રિજ, એક નાનો પુલ, 14 અંડરપાસ, 19 કિલોમીટર સર્વિસ રોડ, 1 ટોલ પ્લાઝા તેમજ અત્યાધુનિક એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સજ્જ આ છ માર્ગીય રસ્તો છે.

તદુપરાંત 32 બસ સ્ટેન્ડ, હાઇટેક કેમેરા સાથેની સર્વેલેન્સ સિસ્ટમ, સ્પીડ ડિસ્પ્લે સિસ્ટમ તેમજ વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે સિસ્ટમનો ઉપયોગ આ છ માર્ગીય રસ્તાઓ પર કરવામાં આવ્યો છે.

આ અવસરે સર્વે ધારાસભ્ય બાબુભાઇ પટેલ, મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો :Mehsana: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં માત્ર મહિનાનાં અંત સુધીનો પાણીનો જથ્થો, સિંચાઈ અને પીવાનાં પાણીની ચિંતામાં લાગી સરકાર

આ પણ વાંચો :Madhya Pradesh : પ્રસુતા પત્નીની દેખભાળ માટે કેદીઓને મળશે જેલમાંથી છૂટી, કેદીઓના હકમાં હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

Published On - 3:32 pm, Fri, 22 April 22

Next Article