Ahmedabad: અમદાવાદમાં દોડતી કેબ અને રિક્ષાઓને લઈને શહેર પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરમાં દરેક પેસેન્જર્સ રિક્ષાઓ અને કેબને ધ્યાને રાખી નિર્ણય કરાયો છે. જેમા પેસેન્જર્સ વાંચી શકે તેવા વાહન નંબર, માલિક નંબર, ડ્રાઈવર નંબર, ટ્રાફિક હેલ્પલાઈન, વુમન હેલ્પલાઈન અને પોલીસ હેલ્પલાઈન નંબર લખવા પડશે. તમામ રિક્ષા અને કેબમાં એક મહિનાની અંદર તમામ વિગતો લખેલુ બોર્ડ ફરજિયાત મુકવુ પડશે. આ તમામ વિગતો સાથેના બોર્ડ વગરની રિક્ષા અને કેબના ડ્રાઈવર-માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી તાકીદ કરાઈ છે.
થોડા દિવસ પહેલા અગાઉ સોલા વિસ્તારમાં પેસેન્જરને લૂંટી લેવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ હાઈકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે ટકોર કરવામાં આવી હતી.
આ તમામ હકીકતો અને સૂચનોને ધ્યાને લઈ અમદાવાદ શહેરમાં દોડતી તમામ ઓટો રિક્ષા, કેબ, ટેક્સીમાં મુસાફરો સહેલાઈથી જોઈ-વાંચી શકે તે રીતે વાહનચાલકની સીટના પાછળના ભાગે વાહન-નંબર, વાહન માલિકનું નામ અને અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબરો ફરજિયાત ઓઈલ પેનેટ કે કાયમી માર્કર પેન દ્નારા ભૂંસી ન શકાય તે પ્રકારના લખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે. જોકે વાહનચાલકો અમુક સમયે બદલાતા રહેતા હોવાથી બોર્ડમાં વાહનચાલકનું નામ ભૂંસી શકાય તે પ્રકારની સ્કેચપેનથી લખવાનુ રહેશે.
લોકોની જાન અને સલામતીને થતુ જોખમ નિવારવા અને લોકોને સુરક્ષા આપવાના હેતુથી શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કમિશનરના જાહેરનામા મુજબ રિક્ષા, ટેક્સી, કેબ ચાલકોએ તેમના વાહનમાં પેસેન્જરને બેસવાની જગ્યાએથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબર અને હેલ્પલાઈન નંબર 12*10 ઈંચની સાઈઝના બોર્ડ ઉપર 50ના ફોન્ટ સાઈઝ સાથે રાખવાના રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:34 pm, Sat, 30 September 23