Cyclone Biporjoy : ગુજરાતને બિપોરજોય વાવાઝોડુ ટકરાવાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. ભારે પવનના કારણે શહેરમાં વિવિધ બનાવ બન્યા હતા. ફાયર બ્રિગેડમાં અનેક ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આગ લાગવાના 9 બનાવ બન્યા હતા. ઝાડ પડવાના 5 બનાવો બન્યા હતા.આ ઉપરાંત ઈલેક્ટ્રિક પોલ પડવાના 3 બનાવ બન્યા હતા. જ્યારે સાઇન બોર્ડ પડવાની 3 ઘટના બની હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કુલ 20 જેટલા કોલ મળતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિની ઘટના બની નથી.
આ પણ વાંચો : Gujarat Cyclone Biporjoy News : કચ્છમાં ટકરાયું બિપરજોય વાવાઝોડુ
બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ પરથી પસાર થયુ તેની અસર અમદાવાદ પર પણ જોવા મળી હતી. જેમાં મોડી રાત્રે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. આ ઉપરાંત શહેરમાં સામાન્ય પવનની ગતિ પણ જોવા મળી છે.
તો બીજી તરફ વલસાડના પારડીમાં આવેલી પારસી વાડ કચ્છી સોસાયટી પાસે મસમોટું વૃક્ષ ધરાશયી થયુ છે. મોડી રાત્રે ભારે પવનના કારણે ઝાડ પડ્યું હતુ. ઝાડ પડવાના કારણે રસ્તો બંધ થતા મોડી રાત્રે જ પાલિકાની ટિમ કામે લાગી હતી.પાલિકા દ્રારા jcb ની મદદથી ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજ સાંજ સુધી બિપરજોય વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ જઈને ડિપ્રેશનમાં પરિણામી પૂર્ણ થશે.
Published On - 6:34 am, Fri, 16 June 23