વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે દુનિયા આજે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહી છે.
વધુમાં PM મોદીએ કહ્યું કે વિકટ સ્થિતિમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતમાં મોટી હોટલો પણ નહોતી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો. સમયની સાથે બધાને વાયબ્રન્ટનું મહત્વ સમજાયું. 2003માં વાયબ્રન્ટ ગુજરાતમાં માત્ર 100 લોકો જ જોડાયા હતા. આજે 135 દેશો જોડાયા છે.
આજે દુનિયા વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહી છે. પહેલા કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસને લઈને ભેદભાવ કરતી હતી. કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ વાઇબ્રન્ટ સમિટમાં આવવાની ના પાડી દેતા હતા. સહયોગ તો દૂરની વાત પણ અહીં આવનાર ઉધોગપતિઓને પણ ધમકાવતા હતા, પરંતુ ધમકીઓ બાદ પણ બધા આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વિશ્વ સાથે આંખથી આંખ મિલાવી કામ કરવાનું માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત બન્યું છે. ગુજરાત ભારતની ઔધોગિક ક્ષમતાને ઉજાગર કરવાનું માધ્યમ બન્યું છે.
સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણીના કરવામાં આવી રહી છે. આ દરમિાન PM મોદીના હસ્તે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ પહેલા 2003ના રોજ તત્કાલિન CM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે.
Published On - 11:37 am, Wed, 27 September 23