Ahmedabad: ST નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ સવારીમાં પ્રતિ કિલોમીટરે 64 પૈસા ભાડુ હતુ જેની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યુ છે. એક્સપ્રેસ સવારીમાં પ્રતિ કિલોમાટરે 68 પૈસા ભાડુ હતુ જે 85 પૈસા કરવામાં આવ્યુ છે. જ્યારે નોન એસી સ્લીપરમાં પ્રતિ કિલોમીટરે 62 પૈસા ભાડુ હતુ જે 77 પૈસા કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યમાં એસટી નિગમના ભાડા વધારો કરવા છતા અન્ય રાજ્યો કરતા ઓછુ ભાડુ છે. સરકારના 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા ભાડુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાડામાં આ વધારો આજ રાતથી જ અમલી થઈ જશે. મુસાફરોને ઓછો બોજો પડે અને નહિવત અસર પડે તે રીતનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. તેવુ એસટી નિગમનું માનવુ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ , પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે. તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
એસ.ટી નિગમ દ્વારા 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી. ત્યારે 2014 બાદ આ વર્ષે 2023 માં એસ ટી નિગમે એસ ટી બસનાં ભાડામાં વધારો કર્યો છે.
• લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
• આ પ્રકારે ભાડા વધારો કર્યા બાદ પણ રાજસ્થાન, પંજાબ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યો કરતાં ગુજરાત એસ.ટી.નું પ્રતિ કિલોમીટર/સીટ ભાડું ઓછુ રહેશે. તેવું એસ ટી નિગમનું માનવું છે. તેમજ સરકારનાં વર્ષ 2003 ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેચીસના ભાવમાં વધારો થતા ભાડા વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયના કારણે નિગમની લોક્લ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો કે જેઓ દરરોજ અંદાજીત 10 લાખ જેટલા મુસાફરો 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં માત્ર રૂ.1/- થી રૂ.6/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે તેવું એસ ટી નિગમનું માનવું છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી 500 દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવા નીચે મુજબની કામગીરી કરવાની શરતે ભાડા વધારો કરવાની પરવાનગી આપવામાં આવી છે.
નિગમ દ્વારા B.S-6 ના 2320 જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવી છે. જે B.S-6 વાહનો થકી પર્યાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઘટવા પામશે, વધુ આરામદાયક મુસાફરી બનશે, બ્રેક ડાઉન નીલ થશે તેમજ નોઈસ પોલ્યુશનમાં પણ ઘટાડો થશે.
આ સાથે ગુજરાતની જનતાને વધુમાં વધુ પરિવહન સુવિધાઓ મળી રહે તે માટે આ સમયગાળામાં 700 જેટલા નવીન શિડયુલો સંચાલનમાં મુકવામાં આવનાર છે. આ નવીન શીડ્યુલ થકી વધુમાં વધુ ટ્રીપોનો ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના મુસાફરોને લાભ મળવા પામશે તેવું એસ ટી નિગમનું માનવું છે.
નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.
નિગમ દ્વારા અમદાવાદ, રાણીપ, વડોદરા, મહેસાણા, રાજકોટ, પાલનપુર અને ભરૂચ વિગેરે ખાતે એરપોર્ટ કક્ષાના નવીન બસ પોર્ટ મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. મુસાફરોને ડેપો ખાતેથી વધુમાં વધુ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે આગામી સમયમાં ભુજ, અમરેલી, પાટણ, મોડાસા, નવસારી અને નડીયાદ ખાતે નવીન અધ્યતન બસ સ્ટેશનો બનાવી મુસાફર જનતાની સેવામાં મુકવાનું આયોજન છે.
જ્યાં નિગમ દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવાના હેતુસર પીવાના પાણી, નવીન બસ સ્ટેશન, બેઠક વ્યવસ્થા અને ટોયલેટની સ્વચ્છતા વગેરે બાબતોમાં અપગ્રેડેશન કરવામાં આવનાર છે. જે તમામ બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારો પ્લાસ્ટિકફ્રી બને તે પ્રમાણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમજ નિગમ દ્વારા સફાઈ બાબતોની નવી નીતિનું મોબાઈલ એપ્લીકેશન દ્વારા મોનીટરીંગ કરી બસ સ્ટેશનની નિયમિત અને વધુ સારી સફાઈનું આયોજન છે. સાથે જ વાહનોની સફાઈની નવી નીતિ દ્વારા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વાહનોની વધુ સારી રીતે સફાઈનું પણ આયોજન છે.
આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના ઔડામાં આવતા એસપી રિંગરોડ સહિત શહેરના અનેક રોડની હાલત બિસ્માર, જુઓ Video
વિદ્યાર્થીઓને અભ્યાસનો સમય ન બગડે તેમજ ડેપો ઉપર વારંવાર ન જવું પડે તે માટે નિગમ દ્વારા E- pass સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં મળતી સુવિધાઓમાં હજુ પણ વધારો કરવાનું આયોજન છે. નિગમના તમામ બસ સ્ટેશનો, સેન્ટ્રલ વર્કશોપને સી.સી.ટી.વી. સર્વેલન્સ સીસ્ટમથી સુસજ્જ કરવામાં આવનાર છે. મુસાફરોને સરળતાથી બસના સમયની જાણકારી મળી રહે તે માટે બસ સ્ટેશનોમાં પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમ મુકવાનું આયોજન છે.
નિગમ દ્વારા મુસાફરોને બસના સમયની જાણકારી પ્લેટફોર્મ ખાતે ત્વરિત મેળવી શકાય તે માટે ઓટો મેટીક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મુકવામાં આવેલ છે. જેમાં વધારો કરી તમામ બસ સ્ટેશનો ખાતે કાર્યરત કરવાનું આયોજન છે. મુસાફરોને ઝડપી ટીકીટ મળી રહે સાથો સાથ Payment ના મલ્ટી મોડ ઓપ્શન મળી રહે તે માટે સ્માર્ટ ઈ-ટીકીટીંગ મશીન સંચાલનમાં મુકવાનું આયોજન છે. તમામ બસોમાં મુસાફરોને મનોરંજન મળી રહે તે માટે FM Radio/LED મુકવાનું આયોજન છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:27 pm, Mon, 31 July 23