
અમદાવાદમાં લોકગાયક આદિત્ય ગઢવીના જાણીતા ગરબા મહોત્સવ ‘રંગ મોરલા’ના સ્ટેજ પરથી વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડ છોડી દેવાની જાહેરાત કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. બુધવારે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો રંગ મોરલા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યારપછી સ્ટેજ પરથી એન્કર દ્વારા વિધર્મીઓને તરત જ સ્થળ છોડીને નીકળી જવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગરબા રમી રહેલા અન્ય ખેલૈયાઓને પણ પોતાની આસપાસ સતર્ક રહી નજર રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને લોકોમાં વિવાદ વકરતાં ગાયક આદિત્ય ગઢવીએ સમગ્ર મામલે છેડો ફાડી હાથ ખંખેરી લીધા છે. તેમણે સોશિયલ મીડિયા પર અંગ્રેજીમાં એક વિસ્તૃત પોસ્ટ મૂકીને પોતાનો બચાવ કર્યો હતો અને આખી ઘટના પોતાની જાણ બહાર બની હોવાની ચોખવટ કરી હતી.
ભાવનગર: ભાવનગરના રંગોલી રિસોર્ટમાં ગરબા દરમિયાન વિધર્મીઓની હાજરી મુદ્દે વિરોધ નોંધાવવા હિન્દુ સંગઠનોના 200 જેટલા કાર્યકરો ધસી આવતાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.
સુરત: સુરતના સરસાણા ખાતે યોજાયેલ ‘OG નવરાત્રિ’ માં ગરબા ગ્રાઉન્ડ પર બાઉન્સર તરીકે ફરજ બજાવતા 4 વિધર્મીઓને બજરંગ દળના કાર્યકરોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે વિવાદ એટલો વકર્યો હતો કે આખરે તે બાઉન્સરોને તાત્કાલિક અસરથી હટાવી રવાના કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર: ગાંધીનગરમાં હિન્દુ નામ ધારણ કરીને વિધર્મીઓ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ્યા હોવાના ગંભીર આક્ષેપ થયા હતા. પ્રવેશદ્વારે કપાળ પર તિલક કરાવવાનો ઇનકાર કરતાં શંકાના આધારે બે વિધર્મીઓને બજરંગ દળે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.