અમદાવાદ શહેરમાં જાણે કે પોલીસનો કોઈ ખોફ જ રહ્યો ન હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં બુટલેગરોએ પોલીસ ઉપર હુમલો કર્યા નો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નરોડા વિસ્તારમાં મંગળવારે 2 પોલીસ કર્મી નીકળ્યા હતા ત્યારે બુટલેગરો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરીને તેમને લૂંટી લેવાયા હતા. ઘટનાને પગલે કુખ્યાત બુટલેગર સહિત અન્ય આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચાર લોકોની ધરપકડ કરાઈ છે.
શહેર પોલીસની કામગીરીને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી, સંજય સોલંકી અને ઉમેશ વણઝારા છે. જેમણેન SMC અને પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારી પર હુમલો કરીને લૂંટી લીધા હતા.
ઘટના એવી છે કે સ્ટેટ મોનિટરીંગ સેલ એટલે કે SMC માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ધર્મરાજસિંહ ભાટી અને અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા તેમના મિત્ર બંને સાથે મળીને મોપેડ પર નિકળ્યા હતા. આ દરમિયાન તે બંને પોલીસ કર્મી નરોડાથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. હુમલામાં બુટલેગરનો અનિલ ઉર્ફે કાલી, સંજય સોલંકી અને તેના સાગરીતો પણ સામેલ હતા.
આ ટોળાએ બંને પોલીસ કર્મચારીને આંતરીને અટકાવ્યા હતા અને તેમની સાથે તકરાર શરુ કરી હતી. બાદમાં ઝપાઝપી કરીન દઈ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પોલીસ કર્મચારીઓનો મોબાઈલ, રોકડ અને મોપેડની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને SMC ને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી કુખ્યાત આરોપી છે, તેની વિરુદ્ધ દારૂ સંબંધીત અને મારામારીના અનેક ગુના નોંધાયા છે. બુટલેગર જીગો સોલંકી 2 થી 3 વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા આવેલી પોલીસ પર હુમલો કર્યો હતો. જે ગુનાના આરોપી અનીલ સોલંકી તથા તેનો ભાઇ સંજય સોલંકીને પકડવા આવેલ નરોડા પોલીસ કર્મીઓ ઉપર જાન લેવા હુમલો કર્યો હતો. જેમાં આરોપી સંજય સોલંકીએ લોખંડના હથોડાથી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. પોલીસને દોડાવી દોડાવી માર મારતા આરોપીઓનો વીડિયો વાયરલ પણ થયો હતો.
જે ઘટનામાં નરોડા પોલીસે ત્યારે કુખ્યાત બુટેલગર જીગ્નેશ ઉર્ફે જીગાની ધરપકડ કરી હતી. બુટલેગર દ્વારા પોલીસ પર કરેલા હુમલા કેસમાં નરોડા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે આ કુખ્યાત બુટેલગર અને તેના ભાઈઓનો આંતક અને દહેશત વધી રહ્યો હોવાથી પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published On - 7:56 pm, Wed, 18 October 23