ગુજરાત માંથી(Gujarat)વધુ એક બોગસ ડિગ્રીકાંડ(Bogus degree scandal) ઝડપાયું છે,જે નકલી ડીગ્રી સર્ટિફિકેટ વેચવાના રાજ્ય વ્યાપી કૌભાંડનો ગાંધીનગર(Gandhinagar)પોલીસે પર્દાફાશ કર્યો.મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી પોલીસે અલગ-અલગ યુનિવર્સિટીની 50 થી વધુ ડીગ્રીઓ સાથે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.ગાંધીનગર પોલીસે બે આરોપીઓ વંદના શ્યામલકેતુ બરૂઆ (બંગાળી)અને વિપુલ પટેલની ધરપકડ કરી છે. આ આરોપીઓ નકલી ડીગ્રીઓ બનાવીને વિદ્યાર્થીઓને લાખો રૂપિયામાં વેચવા હતા.ગાંધીનગર સેક્ટર 21 પોલીસને બાતમી મળી હતી કે વિસ્તારમાં આવેલા સુરભી કોમ્પલેક્ષમાં આવેલી બરૂઆ ટ્યુટોરીયલ નામની ઓફિસમાં અલગ-અલગ યુનિવર્સિટીની ડિગ્રીઓ પૈસા લઈને વેચવાનું કૌભાંડ ચાલે છે.
જેથી પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ પર રેડ કરીને તપાસ કરતા ત્યાંથી અલગ-અલગ યુનિવર્સિટીના જુદા જુદા નામ વાળા બોગ્સ ડિગ્રી સર્ટીફિકેટ તેમજ માઇગ્રેશન સર્ટી અને માર્કશીટો મળી આવી હતી. પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ ચલાવતી સંચાલક મહિલા વંદના બરૂઆની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ ખૂલ્યું હતું. મહિલા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેની પાસે ટ્યુશન કલાસીસ ચલાવતો વિપુલ પટેલ અલગ-અલગ જગ્યાએથી ગ્રાહકો શોધીને લાવતો હતો અને તે ગ્રાહકોને જે યુનિવર્સિટીના સર્ટિફિકેટ કે ડિગ્રીની જરૂર હોય તેઓની પાસેથી 50 હજારથી લાખો રૂપિયા સુધીની રકમ વસૂલી અને બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યો હતો.
સેકટર 21 પોલીસે સ્થળેથી અલગ-અલગ યુનિવર્સિટીની 56 જેટલી માર્કશીટો કબજે કરી છે અને બંને આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઓડીશા ખાતે રહેતા તન્મય દેબરોય નામના વ્યક્તિ પાસેથી આ તમામ ડિગ્રીઓ બનાવડાવી હતી.
પોલીસે આ મામલે મેરઠની ચૌધરી ચરણસિંઘ યુનિવર્સિટીની 33, અલવરની સનરાઈઝ યુનિવર્સિટીની બે, અમદાવાદની કેલોક્ષ ટીચર્સની 17, અને જયપુર નેશનલ યુનિવર્સિટીની એક, તમિલનાડુની અન્નામલાઇ યુનિવર્સીટીની બે અને બાબા સાહેબ આંબેડકર ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક ડિગ્રી એમ કુલ મળીને 56 ડિજિટલ સિગ્નેચર તથા સહી સિક્કાવાળી ડુપ્લિકેટ માર્કશીટ અને ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.
આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી તન્મય દેબરોયને પકડવા માટે ગાંધીનગર પોલીસે કવાયત હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓ વર્ષ 2014 થી બોગસ સર્ટિફિકેટ બનાવતા હોવાનું સામે આવ્યું છે અને ખાસ કરીને વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને બોગસ સર્ટીફીકેટ બનાવી આપતા હતા તેવામાં આરોપીઓેએ અત્યાર સુધીમાં કેટલા બોગસ સર્ટિફિકેટ બનાવ્યા તેમજ તે સર્ટિફિકેટનો ઉપયોગ કોણે કોણે કઈ જગ્યાએ કેવી રીતે કર્યો અને આ ગુનામાં કોઈપણ યુનિવર્સિટીના કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં સેક્ટર-21 પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : KUTCH : બાંધકામ મંજુરી નથી લીધી તો મેળવી લેજો, ભુજના ભરચક વિસ્તારમાં ઉભો કરાયેલ શો-રૂમ સીલ કરાયો
આ પણ વાંચો : Bhavnagar: 11 માં ખેલ મહાકુંભનો સમાપન સમારોહ, ગુજરાતે રમતગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે : વિભાવરી દવે