
અત્યાર સુધી આપણે બાઈક, કાર કે અન્ય નાના-મોટા વાહનોની ચોરી થયા હોવાની વાતો સાંભળી હશે. પરંતુ અમદાવાદમાં એક અનોખી ઘટના સામે આવી છે. અમદાવાદના એક આખે આખી ST બસ ચોરી થયાની ફરિયાદ નોંધાય છે. જોકે ફરિયાદના આધારે પોલીસે બે કલાકની અંદર જ એસટી બસ શોધી કાઢી હતી અને બસની ચોરી કરનાર આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે ST બસ ચોરી કર્યા પાછળનું કારણ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદના નરોડા પોલીસ મથકમાં 14 ફેબ્રુઆરીના રાત્રિના સમયે કૃષ્ણનગર એસટી ડેપો માંથી અમરેલી કૃષ્ણનગર રૂટની એસટી બસ ચોરી થઈ હોવાની ફરિયાદ ડેપો મેનેજર દ્વારા નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી એસટી બસની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસેના એક ગામમાંથી એસટી બસને શોધી કાઢી હતી સાથે જ એસટી બસની ચોરી કરનાર વ્યક્તિને પણ પોલીસે પકડી પાડ્યો હતો.
પોલીસે એસટી બસની ચોરી કરનાર તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછ માં સામે આવ્યું છે, કે એસટી બસની ચોરી કરનાર તુષાર ભટ્ટ અગાઉ એએમટીએસ અને એસટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. જોકે તુષાર ભટ્ટની માનસિક બીમારીને કારણે તે અનેક વખત નોકરી પર રજા રાખતો હતો. જેને કારણે તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેના બદલાનો ભાવ મનમાં રાખીને તેણે એસટી બસની ચોરી કરી હતી.
પોલીસની વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે, કે આરોપી તુષાર ભટ્ટે રાત્રિના સમયે એસટી બસ લઈ જઈ તેના ગામ ખાતે રાખી હતી. એક બે દિવસ બાદ ચોરેલી બસને તે કોઈપણ જગ્યા પર બિનવારસી હાલતમાં મૂકી દેવાનો હતો. તુષાર ભટ્ટ અગાઉ ડ્રાઇવરની નોકરી કરતો હોવાથી એસટી બસમાં જીપીએસ હોવાની માહિતી હોવાને કારણે તેણે એસટી બસમાં લાગેલું જીપીએસ કાઢી નાખ્યું હતું. જેથી પોલીસ તેના સુધી પહોંચી શકે નહિ. હાલ તો પોલીસે એસટી બસ ને શોધી ચોરી કરનાર તુષાર ભટ્ટની ધરપકડ કરી છે.
Published On - 3:59 pm, Fri, 16 February 24