ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર છૂટ આપવાના નિર્ણયને ઉદ્યોગ જગતે આવકાર્યો તો કોંગ્રેસે કહ્યું પાછલા બારણેથી દારૂબંધીને હટાવવાની શરૂઆત- જુઓ વીડિયો

ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેનારા મુલાકાતીઓને લીકરના સેવન માટેની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આવો જોઈએ કોણે શું કહ્યુ.

| Edited By: | Updated on: Dec 22, 2023 | 10:32 PM

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેનારા મુલાકાતીઓને દારૂના સેવનની છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ઉદ્યોગજગતના લોકો આવકારી રહ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે.

ગિફ્ટ સિટીનો વિકાસ ત્રણ ગણો વધશે- દિનેશ નાવડિયા

હિરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા આ નિર્ણયને આવકારતા જણાવ્યુ કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યાં આંતરરાષ્ટ્રીય વેપારની પણ છૂટ આપવામાં આવેલી છે. ત્યારથી બહારથી આવતા ટ્રેડર્સ માટે લિકર સેવન ઘણી સામાન્ય બાબત છે. પરંતુ ગુજરાતમાં પ્રોહિબિશન હોવાથી બહારથી આવનારાને થોડી મુશ્કેલી પડતી હતી. જો કે સરકારે હાલ ગિફ્ટ સિટી માટે લિકર સેવનની છૂટ આપતા ગિફ્ટ સિટીનો વિકાસ ત્રણ ગણો વધશે. આ સાથે સુરત ડાયમંડ બુર્સને લઈને પણ સરકાર આવી છૂટછાટ આપે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી.

સરકારની કથની અને કરણીમાં ફર્ક સમાન નિર્ણય

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ કે દારૂબંધીને કારણે જ ગુજરાતમાં શાંતિનું વાતાવરણ છે અને વિકાસ પણ થયો છે. દારૂબંધીને કારણે જ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લગતા પ્રશ્નો ઓછા ઉદ્દભવે છે. એ સંજોગોમાં પાછલા બારણેથી દારૂની છૂટ આપવાના નિર્ણયને કથની કરણીમાં ફર્ક સમાન ગણાવ્યો.  ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો અને હપ્તાખોરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે ગિફ્ટ સિટીમાં આડકતરી રીતે મંજૂરી આપીને દારૂ ખુલ્લેઆમ પરમિશન આપવાની દિશામાં સરકાર આગળ વધતી હોય તેવુ લાગી રહ્યુ છે. આજે ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે કાલે અન્ય જગ્યાએ આપવામાં આવશે. ચાવડાએ જણાવ્યુ કે ધીમે ધીમે પાછલા બારણેથી દારૂબંધીમાં દારૂની છુટી કરવા તરફ સરકાર આગળ વધી રહી છે.

ગિફ્ટ સિટીના નામે પાછલા બારણેથી દારૂબંધીને હટાવવાની સરકારે શરૂઆત કરી- અમિત ચાવડા

ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સને લઈને આ નિર્ણય લેવાયો હોવા અંગે અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે શું દારૂની છૂટ હોય તો જ વિકાસ થાય. આટલા વર્ષોથી દારૂબંધી છે છતા વિકાસ તો થયો જ છે. ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ લિકરની પરમિશન સાથેના આઉટલેટ છે જ અને મોટા પ્રમાણમાં પરમિટ પણ છે જ તો આખા એક વિસ્તારને નોટિફાઈડ કરવાની શું જરૂર છે. છૂટ આપવી હોય તો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં આપી શકાય. જે અનેક જગ્યાએ આપેલી પણ છે. પરંતુ આખા ગિફ્ટ સિટીના વિસ્તારને છૂટ અપાઈ છે. જેમાં ભવિષ્યમાં રેસિડેન્શ્યિલ વિસ્તારો પણ બનવાના છે. જેના કારણે અન્ય લોકોની અવરજવર પણ વધવાની છે ત્યારે તેના પર પણ આ નિર્ણયની બહુ મોટી અસર થશે. જોકે ચાવડાએ આરોપ લગાવ્યો કે આ નિર્ણયથી સરકારે પાછલા બારણેથી દારૂબંધીને હટાવવાની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો: I.N.D.I.A ગઠબંધનથી માયાવતીને દૂર રાખી ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યા અખિલેશ ? કોને ફાયદો-કોને નુકસાન- વાંચો

અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:29 pm, Fri, 22 December 23