Ahmedabad: અમદાવાદના ચાંદખેડામાં 20 ઓક્ટોબરના રોજ 45 વર્ષીય શખ્સનો અર્ધ નગ્ન હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાના 6 દિવસ બાદ સીસીટીવીને આધારે પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા ક્યા કારણોસર કરાઈ તેનુ કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ઘટનાની તપાસ દરમિયાન પોલીસે મૃતક જયેશ પરમાર અને આરોપી કમલેશ રોત સાથે જતા હોય તેવા CCTV મળી આવ્યા હતા. આ CCTVને આધારે તપાસ કરતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી. એટલુ જ નહીં પોલીસે મૃતક અને આરોપીના CDR લોકેશન કઢાવતા ચાંદખેડાની કોઈ અવાવરુ જગ્યાનું લોકેશન મળ્યુ હતુ. આ લોકેશનના આધારે પોલીસે રાજસ્થાનના શખ્સ કમલેશ રોતની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી કમલેશની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનુ કબૂલ્યુ હતુ. આરોપીના જણાવ્યા મુજબ મૃતક સમલૈંગિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાથી તે પસંદ ન હોવાથી ઉશ્કેરાઈ જઈને પથ્થરનો ઘા માર્યો, ત્યારબાદ ગળુ દબાવીને જયેશ પરમારની હત્યા કરી નાખી હતી. છેલ્લા અનેક દિવસોથી મૃતક આરોપી કમલેશ રોતને જાતિય સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાનો આરોપીએ ખૂલાસો કર્યો. પોલીસે આ અંગે તપાસ કરતા છેલ્લા 15 દિવસથી મૃતક અને આરોપીનું સાંજના સમયે ચાંદખેડાની અવાવરુ જગ્યાનું લોકેશન મળી આવ્યુ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મૃતક જયેશ કલોલનો રહેવાસી હતો અને ઈફ્કો કંપનીમાં નોકરી કરતો હતો. તેના 7 વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. આરોપી કમલેશ મૂળ રાજસ્થાનનો પરિણિત શખ્સ છે અને અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. તેની પત્ની વતન રાજસ્થાનમાં છે. થોડા દિવસ પહેલા જ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
મૃતક જયેશ પરમાર સમલૈંગિક સંબંધો રાખતો હોવાથી અનેક યુવકોના સંપર્કમાં હતો. કમલેશને પણ મૃતક જયેશે સમલૈંગિક સંબંધ રાખવાની માગ કરતો હતો. ઘટનાની રાત્રે પણ મૃતકે બળજબરીથી સંબંધ રાખવાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા કમલેશ રોતે જયેશની હત્યા કરી નાખી અને ત્યારબાદ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી મૃતકનો મોબાઈલ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ હત્યા પાછળ સમલૈંગિક સંબંધો જ કારણ છે કે અન્ય કોઈ કારણોસર હત્યા કરાઈ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો