Ahmedabad: અમદાવાદમાં છેતરપિંડીનો(Fraud)એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, દિલ્હીથી અમદાવાદ (Ahmedabad)આવેલો એક કંપનીનો માર્કેટિંગ મેનેજર છેતરપિંડીનો ભોગ બન્યો છે. સમગ્ર મામલે મેનેજરે ઓનલાઈન એફઆઇઆર નોંધાવી હતી જેના આધારે પોલીસે છેતરપિંડી કરી વેપારીને લૂંટી લેનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે વેપારીની ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી.
સામાન્ય રીતે લોકોને છેતરી અને પૈસા કે ઘરેણા પડાવતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને આવા લોકો સરળતા થી સામાન્ય લોકોને પોતાના જાળમાં ફસાવી શિકાર બનાવતા પણ સાંભળ્યું હશે, પરંતુ તાજેતરમાં જ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં છેતરપિંડીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળી ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી.
સમગ્ર મામલાની વાત કરીએ તો શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીનો માર્કેટિંગ મેનેજર મુકેશ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યો હતો અને હોટેલમાં રોકાયો હતો. અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશભાઈ બીજે દિવસે વડોદરા જવા નીકળ્યા હતા. પોતાની હોટલથી મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યો હતો.
આ દરમિયાન નારણપુરા ઈન્કમટેકસ અંડરબ્રિજ પાસે એક કાર ચાલકે મુકેશભાઈ પાસે સરનામું પૂછવામાં બહાને પોતાની કાર ઊભી રાખી અને કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મુકેશભાઈનો હાથ પકડી કહ્યું કે તમારા હાથમાં સરસ સુગંધ આવે છે તેમ કહેતા મુકેશભાઈ એ પોતાનો હાથ સુંઘતા બેભાન થઈ ગયા હતા અને કાર ચાલકે મુકેશભાઈ ની સોનાની વિટી અને રોકડા 18000 લઇને નાસી છૂટયા હતા.
જોકે થોડીજ વાર બાદ મુકેશભાઈ ભાનમાં આવતા તેને કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કાર ચાલક નાસી છૂટયા હતા. મુકેશભાઈએ દિલ્લી પહોંચી ઓનલાઇન અરજી કરી હતી અને એક મહિના બાદ રૂબરૂ આવી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે મુકેશભાઈ ની ફરિયાદને આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ગોવિંદ મદારી અને તેનો ભાઈ પ્રકાશ મદારીની ધરપકડ કરી છે.
પોલીસે પૂછપરછમાં સામે આવ્યું કે બંને ભાઈઓ કોઈ પણ વ્યક્તિ સાથે લૂટ ચલાવવાના ઇરાદે નીકલા હતા. ગોવિંદ મદારીએ શરીર ઉપર ભભુત લગાડી હતી અને સાધુ બાવા જેવો વેશ ધારણ કર્યો હતો અને હાથમાં અત્તર જેવું સુગંધિત પ્રવાહી છાંટ્યું હતું કે જેનાથી સામેની વ્યક્તિ થોડી વાર માટે બેભાન થઈ જાય.
હાલતો પોલીસે મુકેશભાઈ ની ફરિયાદને આધારે બંને ભાઈઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બંને ભાઈઓએ અગાઉ પણ બોડકદેવ વિસ્તારમાં કોઈ સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે બને ભાઈઓએ અન્ય કોઈ વ્યક્તિને આ મુજબ છેતરપિંડી કરી છે કે કેમ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો