હાલમાં ગુજરાતમાં બારમાસી મસાલા અને અનાજ ભરવાની સિઝન ચાલી રહી છે. મરચું, ધાણાજીરું પાવડર, જીરું, હળદર તેમજ અન્ય મરી મસાલાની સાથે સાથે ઘઉં ભરવાની સિઝન પણ ચાલી રહી છે. જોકે તમામ અનાજ તથા મસાલામાં આ વખતે 20થી 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ માટે બારમાસી અનાજ અને મસાલા ભરવાનું આકરું બની ગયું છે.
ત્યારે એક તરફ હાલમાં ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે અને તે દરમિયાન ઘઉંના ભાવમાં અતિશય વધારો થતા લોકોના બજેટ ઉપર અસર પડી છે તો સાથે જ ભાવ વધતા લોકો જરૂરિયાત સામે ઓછા ઘઉંની ખરીદી કરી રહ્યા છે. તો કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ઘઉં ખરીદવા કે નહીં?
વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20%થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે. જેમાં 100 કિલોના ઘઉંના ભાવ જોઈએ તો દાઉદખાની ઘઉંમાં એક વર્ષ પહેલાં 3000થી લઈને 3,500 જેટલો ભાવ હતો. જે હાલ 5000થી 6,000 સુધી પહોંચી ચૂક્યો છે.
એમપી શરબતી ટુકડી એક વર્ષ પહેલાં 3 હજાર હતા જે હાલ 3500થી 4 હજાર રૂપિયા થયા છે
રજવાડી ઘઉં પહેલા 3 હજાર હતા જે હાલ 3600 ભાવ થયા છે.
તુવેર દાળના 1 કિલોના 95 રૂપિયા હતા, તેમાં 110 રૂપિયા થઈ ગયા છે.
મગની દાળ 1 કિલોના 90 રૂપિયા હતા તે વધીને 105 રૂપિયા ભાવ થઈ ગયા છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે માલ અછતના કારણે ભાવ વધ્યાનું વેપારીએ નિવેદન આપ્યું હતું. મવાઠાને કારણે બજારમાં પૂરતો જથ્થો ઠલવાયો નથી તેના કારણે ભાવમાં વધારો થયો છે. એક તરફ શહેર અને રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે તો રાજ્યમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
આગામી વરસાદની આગાહીને પગલે પણ વેપારીઓ એવી આશંકા સેવી રહ્યા છે કે હજી પણ ઘઉંંના પાકને નુકસાન થઈ શકે છે. ઘઉંને નુકસાન થાય અને આવકમાં અછત સર્જાય તો ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે.