વરસાદ પડે ત્યારે રોડ-રસ્તા પાણી (Water) માં ગરકાવ થાય એ તો ઠીક પરંતુ, વરસાદ (Rain) પડી ગયાના 8-8 કલાક વિત્યા પછી પણ રસ્તાઓ પાણી-પાણી હોય તો રહીશો શું કરે ? આ સવાલ અત્યારે એટલા માટે ઉભો થયો છે કારણ કે, અમદાવાદ (Ahmedabad) સરસપુર-શારદાબેન હોસ્પિટલના રોડની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અહીં વરસાદ પછી રસ્તાની હાલત એટલી ખરાબ છે કે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક રોડ પર હજુ સુધી વરસાદી પાણી ઉતર્યા નથી તો કેટલાક રસ્તાઓ પર કાદવના થર છે. એવું નથી કે, માત્ર આ જ વર્ષે આવી હાલત છે. સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા 15-15 વર્ષથી આ વિસ્તારની આવી હાલત થાય છે. ચોમાસાની સિઝનમાં કેડસમા પાણી ભરાય છે અને એ પછી રસ્તાઓ પર ગટરના પાણી બેક મારે છે તેમજ રસ્તા પર કાદવ-કીચડના થર જામી જાય છે. આ બાબતે અહીંના રહીશોએ અનેકવાર સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશન ઓફિસમાં રજૂઆત કરી છે, પરંતુ, સ્થિતિ તેમની તેમ જ છે.
અમદાવાદમાં ગઈ કાલે બપોરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને કલાકોમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં સરસપુરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં શાળાએ જતા બાળકોને પાણીમાંથી લાવવાની ફરજ પડી હતી. અમદાવાદમાં આવા દ્રશ્યો ઘણી જગ્યા પર જોવા મળ્યા હતાં.
પ્રિ મોન્સૂન કામગીરીના મોટામોટા બણગા ફૂંકતી AMCની કામગીરી વરસાદની સાથે જ ખાડામાં ગઇ હોય તેવું લાગી રહ્યું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ એએમસીની કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ હત. જ્યાં રોડ ખોદાયા છે ત્યાં વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. રસ્તા પર અગલ અગલ જગ્યાએ બે કાર ફસાઇ અને વાહનચાલકો મરતા મરતા બચ્યાં હતાં. સૌથી પહેલા વાત કરીએ કઠવાડા રીંગ રોડની. તો અહીં ભારે વરસાદને કારણે રસ્તા પર ભૂવો પડતા કાર ફસાઈ હતી. જો કે કાર ચાલકોએ કારને બહાર કાઢવા અથાગ પ્રયાસ કર્યા હતા પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. તો બીજી તરફ સીજી રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે દેવપથ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ ધરાશાયી થતાં એક કાર ફસાઇ હતી. બનાવની જાણ થતાં જ કારને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.
આજે અમદાવાદ અને ગાંધીનગરને વરસાદ ઘમરોળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં વીજળી પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Published On - 12:41 pm, Sat, 9 July 22