Ahmedabad : અમદાવાદ શહેરની મેટ્રો સેવામાં વધુ બે મેટ્રો ટ્રેન (Metro train) ઉમેરાવા જઇ રહી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો રેલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને GMRC એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના (Gujarat Metro Rail Corporation Limited) સત્તાધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે નિયમિત કરતા અડધો કલાક વહેલા પ્રથમ ટ્રેન ઉપાડવામાં આવશે.
મીડિયો રિપોર્ટસ અનુસાર અમદાવાદમાં બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી દિવસ દરમિયાન બે વધુ ટ્રેન દોડાવવાનો નિર્ણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવાયો છે. GMRC લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બંને કોરિડોર પર દિવસની પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યાર પછી બાકીની અન્ય ટ્રેન રાબેતા મુજબના કાર્યક્રમ પ્રમાણે જ 7 વાગ્યાથી દોડતી રહેશે.
GMRC લિમિટેડે આપેલી માહિતી અનુસાર સવારે 7 કલાકથી બાકીની મેટ્રો ટ્રેનની સેવાઓ 12 મિનિટના અંતરે મળી રહેશે. બંને વધારાની ટ્રેન બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, APMC અને મોટેરાથી એક સાથે સવારે 6.20થી દોડશે.
મહત્વનું છે કે 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ની શરુઆત કરાવી હતું. જે પછી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાર્થીઓ માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક રહે છે. જે પછી લોકોએ ટ્રેનની ફ્રિકવન્સી વધારવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને GMRCએ 15 મિનિટમાં ટ્રેન મળી રહે તેવી સુવિધા ઉભી કરી હતી. ત્યારે હવે ફરીથી અપડાઉન કરનારા લોકો સહિતનાઓએ રજૂઆત કરતા હવે દર 10 થી 12 મિનિટમાં મુસાફરોને નવી મેટ્રો રેલ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો