ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi) પર્વની દેશભરમાં શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ (Ahmedabad)માં પણ દર વર્ષે મહારાષ્ટ્રની જેમ જ ગણેશપર્વની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવે છે. લોકો વિવિધ થીમ બેઝ ગણેશ(Ganesh) બનાવી ધાર્મિકની સાથે સામાજિક સંદેશો આપવાનો પણ પ્રયાસ કરે છે. આવુ જ કંઈક જોવા મળ્યુ સાબરમતી વિસ્તારમાં આવેલા ભુયંગદેવમાં. જ્યાં પર્યાવરણની થીમ રાખી લોકોને પર્યાવરણનુ જતન કરવાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભુયંગદેવમાં આવેલા શેફાલી રો હાઉસમાં ઘરે-ઘરે ગણપતિની સ્થાપના કરનારા લોકોએ આ વર્ષે પ્રથમવાર સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કર્યુ છે.
પ્રથમ દિવસે ગણેશ પંડાલમાં વૃક્ષોની થીમ રાખી છે. આયોજકોનું માનવું છે કે હાલમાં લોકો વૃક્ષો કાપી રહ્યા છે. જે પર્યાવરણને હાનિ પહોંચાડી રહ્યા છે. આથી પર્યાવરણની સમતુલા જળવાઈ રહે, લોકોને વૃક્ષોમાંથી ઓક્સિજન મળી રહે માટે લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તેવો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોસાયટીના લોકો દ્વારા ગણેશપર્વના 10 દિવસ દરમિયાન અલગ અલગ થીમ રાખવામાં આવી છે. જેમાં બીજા દિવસે સાડીની થીમ રાખવામાં આવી છે. ત્યારબાદ 151 દીવાની થીમ બાદ ગણેશજીનું જીવન દર્શાવતી થીમ એમ રોજ અલગઅલગ થીમનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથે જ લોકોને એક સામાજિક સંદેશો જાય કે એક્તા સાથે સારી રીતે પર્વની ઉજવણી કરી શકાય છે.
આ તરફ સાબરમતીમાં રામનગરવાસ પાસે બીજા વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા માટીની મૂર્તિ સાથે પર્યાવરણની થીમ રાખવામાં આવી છે. જેની અંદર મોટા પંડાલોમાં ગણેશજીને બિરાજમાન કરી આસપાસ વૃક્ષો રાખી બાગ બગીચા અને જંગલ જેવી થીં ઉભી કરાઈ છે. સ્થાનિકો દ્વારા અને ખાનગી સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકોના જણાવ્યા મુજબ હાલના સમયમાં વૃક્ષોની અછતને કારણે ગ્લોબલ વોર્મિંગ પર અસર પડી રહી છે. તેમજ ઓક્સિજન લેવલ ઓછુ થઈ રહ્યુ છે. આ ઓક્સિજન લેવલ મેઈનટેઈન કરવા દરેક નાગરિકે વૃક્ષો વાવવા જરૂરી છે. જેથી લોકોમાં વૃક્ષો વાવવા અંગે જાગૃતિ લાવવા માટે વૃક્ષોની થીમ રખાઈ છે.
ઉલ્લેખનીય છે કે પર્યાવરણની જાળવણી એ હાલમાં તાકીદની જરૂરિયાત છે. કેમ કે વૃક્ષ વાવવાથી ઓક્સિજનની માત્રા વધે છે તેમજ પર્યાવરણ જળવાઈ રહે છે અને વૃક્ષ વાવવાથી કલાઈમેન્ટ ચેન્જની અસરને પણ સુધારી શકાય છે. ત્યારે જરૂરી છે કે લોકો તે બાબતે જાગૃત બને વૃક્ષો વાવે અને તેનું જતન કરે.