Ahmedabad: અમદાવાદ ના ચાણક્યપુરી બ્રિજના પ્રભાતચોક બાજુના છેડે રોંગ સાઈડ આવતા રાજુઓને રોકવા ટ્રાફિક વિભાગ અને મનપાએ ટાયર કિલર બમ્પ (Tyre Killer Bmp) લગાવ્યા તો ખરા પરંતુ બીજા જ દિવસે અમદાવાદીઓએ એનો તોડ શોધી રોંગ સાઈડ વાહનો બમ્પ પરથી કુદાવવાનું જારી રાખ્યું. ટ્રાફિક વિભાગને રોંગ સાઈડ રાજુઓના વીડિયો પહોંચ્યાં અધિકારીઓ દોડતા થયા અને અમદાવાદીઓને તોડ બદલ વીડિયોના આધારે મેમો ફાડવાનું નક્કી કર્યું.
ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક બાજુ નીચે ઉતરતા અનેક વાહન ચાલકો રોંગ સાઈડ જતાં હોવાની ફરિયાદ મળતી હોવાને કારણે ત્યાં મનપા અને ટ્રાફિક વિભાગે ટાયર કિલર બમ્પ લગાવ્યા. બીજા જ દિવસે અમદાવાદીઓએ આશ્ચર્યની વચ્ચે ખીલાવાળા બમ્પ પરથી પણ રોંગ સાઈડમાં વાહનો કૂદાવવાનું જારી રાખ્યું. Tv9 ની ટીમે કિલર બમ્પની મુલાકાત લેતા રોંગ સાઈડ જતાં લોકો નજરે ચડ્યા અને જોયું કે કિલર બમ્પ પર જે ખીલાઓ લગાવવામાં આવ્યા છે એમાં બે ખિલા વચ્ચે મોટી જગ્યા હતી. જેના કારણે એની વચ્ચેથી ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ના હતું. ટાયર કિલર લગાવ્યા હોવા છતાં વાહનચાલકો રોંગ સાઈડ જતા હોવાથી TRB જવાનને ડ્યુટી પાર રાખવો પડ્યો હતો અને રોંગ સાઈડ આવતા લોકોને રોકવામાં આવ્યા હતા.
બુધવારે સાંજે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને ગુરુવારથી જ વાહનચાલકોએ રોંગ સાઈડ આવવાનું ચાલુ કરતા સોશિયલ મીડિયા અને માધ્યમોમાં એ વીડિયો ફરતા થયા હતા. જે બાબતની નોંધ ટ્રાફિક વિભાગે લેતા તુરંત જ કિલર બમ્પ ના અભ્યાસ માટે અધિકારીઓ પહોંચ્યા હતા જ્યાં એમના ધ્યાને આવ્યું કે બમ્પ પર લગાવવામાં આવેલ ખીલા વચ્ચેનું અંતર વધારે હોવાના કારણે 2 પૈડાં વાળા વાહનો આસાનીથી પસાર થઈ જાય છે. જેથી તુરંત જ બમ્પ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટરને ફોન કરી સુધારો કરવા સૂચના અપાઈ. આ સિવાય માધ્યમો અને સોશિયલ મીડિયા પર જોવા મળેલ વીડિયોના આધારે રોંગ સાઈડ જનાર વાહન ચાલકોનોની નંબર પ્લેટ પરથી એમને મેમો મોકલવામાં આવશે એવું ટ્રાફિક એ ડિવિઝન ના પીઆઇ પી બી ઝાલા એ જણાવ્યું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:55 pm, Thu, 3 August 23