Ahmedabad: જો સોશિયલ મીડિયા પર તમને કોઈ અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તેને સ્વીકારતા પહેલા એકવાર ચેતી જજો. કેમ કે આ અજાણી યુવતી ખરેખર કોણ છે અને શા માટે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહી છે તે જાણવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બિલ્ડરને સોશિયલ મીડિયા ઉપર એક યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતી અને તેની ટોળકીએ બિલ્ડર પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા કે જોકે બિલ્ડરને ખ્યાલ આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સોશિયલ મીડિયા ઉપર સક્રિય થયેલી ઠગ ટોળકીનો પર્દાફાશ થયો હતો. ફરિયાદને આધારે બોપલ પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં રહેતા સંજયભાઈ ગજ્જર નામના વ્યક્તિને બે વર્ષ પહેલા એક દિવસ તેની ફેસબુક પર એક પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. જોકે સંજયભાઈ આ યુવતી સાથે પરિચિત ન હતા પરંતુ તેમની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતા મિત્રતા બંધાઈ હતી. પરંતુ સંજયભાઈ ને ક્યાં ખ્યાલ હતો કે તે જે યુવતી સાથે મિત્રતા કેળવી વાતચીત કરી રહ્યા છે તે એક કાવતરું છે અને તેમની પાસેથી રૂપિયા પડાવવાનો ઇરાદો ધરાવે છે. થોડા દિવસ બાદ યુવતીએ તેના મિત્ર સંજયભાઈ પાસે રૂપિયાની મદદ માંગી હતી અને 2500 જેટલા રૂપિયા તેના ભાઈના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
જે બાદ સંજયભાઈને ધંધામાં રૂપિયા રોકાણ કરવા સહિત અલગ અલગ બહાનાઓ બતાવી અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. સાથે જ બંનેની વાતચીતના ફોટો બતાવી બ્લેક મેઇલ કરી 62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. સંજયભાઈને ખ્યાલ આવતા તેણે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ ગેંગ સોશિયલ મીડિયા પર આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બિલ્ડરની દ્વારા આ યુવતી અને તેના મળતીયાઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા પણ વાતચીત પૈસા પરત નહી મળતા બિલ્ડરને શંકા ગઇ હતી. જેથી બિલ્ડરે આરોપીઓ પાસેથી નાણાં પરત માંગ્યા હતા. જેમાં આરોપી ઓએ બિલ્ડરને 38 લાખ રૂપિયા પરત આપવા 1.40 લાખ પ્રોસેસિંગ ફી પેટે માંગ્યા હતા. જે બાદ આ ટોળકી દ્વારા બિલ્ડરોને 70 લાખ રૂપિયા તમને આપવાના છે એવું કહીને 3.40 લાખ બીજા માંગ્યા. અલગ અલગ રીતે પૈસાની માંગ કરી. બીજી તરફ બિલ્ડરની પલક સાથેની ચેટ તેની પત્નીને મોકલવાની ધમકી આપીને પણ આ ફ્રોડ ટોળકી બિલ્ડર પાસેથી રૂપિયા પડાવતા રહી. અંતે બિલ્ડરે ફ્રોડ ટોળકી થી કંટાળી બોપલ પોલીસ સ્ટેશનમાં પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની, હાર્દિક પ્રજાપતિ અને સેમ નામના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કોમ્પ્યુટરના ભેજાબાજ એવા આરોપી હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.
હાલ તો પોલીસે હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી ભેજાબાજ યુવતી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત આ ટોળકી દ્વારા અન્ય કોઈ વ્યક્તિને તેની જાળમાં ફસાવ્યો છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે, સાથે જ બિલ્ડરના લાખો રૂપિયા ટોળકી દ્વારા ક્યાં વાપરવામાં આવ્યા છે? સહિતના મુદ્દાઓને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર ટોળકીના મુખ્ય આરોપી અને ભેજાબાજ યુવતી અને અન્ય લોકો જ્યારે પકડાશે ત્યારે જ હકીકત સામે આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો