Ahmedabad: અમદાવાદ શહેરના અલગ અલગ પોશ વિસ્તારોમાં મોબાઇલ ફોનની ચોરીના 17 ગુના તેમજ રીક્ષાના ટાયરોની ચોરી 7 ગુના મળી કુલ 24 ચોરીઓના ગુનાઓને અંજામ આપતી ત્રિપુટી ઝડપાઈ. ગાંધીનગર એલસીબી દ્વારા એક ચોર ત્રિપુટી પકડી પાડવામાં આવી છે.
ગાંધીનગર એલસીબી પોલીસને માહિતી મળી હતી કે અન્ય શહેરોમાં ચોરી કરવા જતી મોડસ ઓપરેન્ડી ધરાવતી એક ગેંગ ગાંધીનગર આવી રહી છે. જેના આધારે તપાસ કરતા સામે આવ્યું કે ત્રણ વ્યક્તિઓ કે જેવો બે રીક્ષા તથા એક મોટર સાયકલમાં અડાલજ બાલાપીર સર્કલથી ઉવારસદ તરફ જવાના રસ્તે ઉભા છે. જેમની પાસે શંકાસ્પદ ચોરીના મોબાઇલ ફોન તેમજ રીક્ષાના ટાયરો છે અને તે સામાન વેચવાની ફીરાકમાં છે.
પોલીસ દ્વારા આ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરાતા મોબાઈલ તેમજ ટાયર ચોરીના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગેંગના સાગરિતોને પકડી પાડી ચોરીના મોબાઇલ ફોન નંગ 20 તથા રીક્ષાના ટાયર નંગ 19 તેમજ વાહનો મળી કુલ મુદ્દામાલ 4.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચોર ગેંગ દ્વારા અમદાવાદ શહેરના ઍરપોર્ટ પોલીસ સ્ટેશન અને અન્ય એક જગ્યા પરના ચોરીના ગુનાનો નોંધાયા છે. પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રીના સમયે અમદાવાદ શહેરના હાંસોલ,ઇસ્કોનબ્રિજ, કર્ણાવતી, પાલડી, સોલા ભાગવત, કારગીલ બ્રિજ, આંબલી, બોપલ, વસ્ત્રાપુર, સાણંદ, મેમનગર, ગોતા વિસ્તારોમાંથી મોબાઇલ ફોનની ચોરીઓ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad: એરટેગ ડિવાઈસનો ઉપયોગ કરી બિઝનેસ પાર્ટનર યુવતીનો ડેટા મેળવતા યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
બીજી તરફ મેમનગર, લાલદરવાજા, રાયપુર, માણેકબાગ, નવરંગપુરા, શીવરંજની, શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારો માંથી રીક્ષાઓના ટાયરો પાના પક્ડ વડે ખોલી ચોરી કરી કુલ 19 ટાયરોની ચોરી કરી હતી. હાલ તો પોલીસે કલ્પેશ ઉર્ફે સીંબા માજીભાઇ પાટીદાર, વિરમણ ઉર્ફે વીરમો હુરમાં મીણા તેમજ વિશાલ ભુપતભાઇ વાંસફોડીયાની ધરપકડ કરી છે. પોલીસે આ ચોર ત્રિપુટીને પકડી ચોરીના અનેક ભેદો તો ઉકેલ્યા છે પણ હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ સિવાય અન્ય કોઈ શહેરમાં અથવા તો અન્ય કોઈ ચીજ વસ્તુની ચોરીઓ આ ગેંગ દ્વારા કરવામાં આવી છે કે કેમ તેને લઈને પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો