Ahmedabad: IIM બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. લૂંટના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી, જોકે ડૉક્ટરના વેશમાં ફરતી મહિલાએ બે લૂંટને અંજામ આપી હોવાની હકીકત સામે આવી છે. પોલીસે મહિલા આરોપી રેખા માલી પાસેથી દસ લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. મહિલા આરોપી હાલ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. મૂળ સરદારનગર છારાનગરની મહિલા જે હાલ ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી છે. આ શાતિર મહિલાએ તેના સાગરીત નકુલ તમંચે સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં બે લૂંટને અંજામ આપી ચુકી છે.
મહિલા આરોપી રેખા માલી પાસેથી 10 લાખની રોકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવી છે. સાથે જ તેની પૂછપરછમાં એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી સાડા ત્રણ લાખની લૂંટ અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આઇઆઇએમ બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ ગુનામાં મહિલા આરોપી તો ઝડપાઈ છે, પરંતુ તેનો સહ આરોપી નકુલ તમંચે હજુ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપી રેખા તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી આંગડિયા પેઢીની બહાર વોચ રાખતી હતી અને જેવો કોઈ શખ્સ તેમના ધ્યાને આવે તરત જ તેની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા. મહિલા આરોપી રેખાની સાથે અન્ય ત્રણ આરોપીઓમાં નકુલ તમંચે તેનો ડ્રાઇવર હતો અને બાકીના બીજા બે યુવકો અન્ય વાહનમાં રહેતા હતા. આ બે આરોપીઓ કોઈપણ બહાને ભોગ બનનારને રોકી અકસ્માત સર્જ્યો હોવાનો ડોળ કરી વાતોમાં રાખતા આ દરમિયાન નકુલ અને રેખા રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ જતા હતા. સાથે જ રેખા ડૉક્ટરો પહેરે તેવું સફેદ કલરનું એપ્રોન પહેરતી હતી. તેથી તેના પર કોઈને શક ન જાય અને ગુનાને અંજામ આપી તેઓ ફરાર થઈ શકે. CCTV ફુટેજને આધારે મહિલા આરોપી રેખાની ધરપકડ કરાઈ છે.
આ ગુનામાં રેખા માલીની ધરપકડ કરતા તેની પૂછપરછમાં સામે આવ્યું કે, તેની સાથી આરોપી નકુલ અલગ અલગ 8 પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાઓમાં સંકળાયોલો છે. તો બાકીના અન્ય બે આરોપીઓ વિશે પૂછતાં તેણે આ લોકો અંગે કંઈ ન જાણતી હોવાનું કહ્યું છે. ત્યારે આરોપી નકુલની ધરપકડ બાદ જ લૂંટ અને નજર ચૂકવી ચોરી કરવાના અન્ય કેટલા ગુનાઓ આ લોકોએ આચર્યા છે, તેનો ભેદ ઉકેલાય તેવી પોલીસ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:02 pm, Sat, 16 September 23