Ahmedabad: મહાનગરોમાં પણ રખડતા ઢોરોનો આતંક, વૃદ્ધ પર કરેલા હુમલામાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

અમદાવાદમાં (Ahmedabad) રખડતા ઢોરોનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે. રાયપુરમાં ગાયે ભેટું મારતાં એક વ્યક્તિનું મોત થયું છે. રાયપુર વિસ્તારમાં ગાયે શિંગડું મારવાની આ ઘટના 11 જુલાઈએ ઘટી હતી.

Ahmedabad: મહાનગરોમાં પણ રખડતા ઢોરોનો આતંક, વૃદ્ધ પર કરેલા હુમલામાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Stray cattle (File Photo)
| Edited By: | Updated on: Jul 23, 2022 | 10:53 AM

ગુજરાતમાં (Gujarat) રખડતા આખલાનો ત્રાસ ન હોય તેવી ભાગ્યે જ કોઈ મહાનગરપાલિકા કે પાલિકા હશે. આ રખડતી રંઝાડમાંથી નાગરિકોને મુક્તિ મેળવવી મુશ્કેલ બની ગઇ છે. સરકારે અગાઉ આ માટે કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રાજ્યભરમાં થયેલા વિરોધ બાદ તેને મોકુફ રાખવામાં આવ્યો હતો. જો કે આ રખડતા ઢોરથી (Stray cattle) હજુ પણ પ્રજા ખૂબ જ પરેશાન છે. અમદાવાદમાં (Ahmedabad) અનેક સ્થળે રખડતા ઢોરો રસ્તા પર અડિંગો જમાવીને બેસી જાય છે. તાજેતરમાં જ અમદાવાદમાં રખડતા ઢોરના હુમલાથી એક વ્યક્તિનું મોત થયુ છે.

ગાયે શિંગડુ મારતા એકનું મોત

અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે. રાયપુરમાં ગાયે ભેટું મારતાં એક વ્યક્તિનું મોત થયું છે. રાયપુર વિસ્તારમાં ગાયે શિંગડું મારવાની આ ઘટના 11 જુલાઈએ ઘટી હતી. અહીં ગામડીવાળા બિલ્ડિંગમાં રહેતા 66 વર્ષીય દીપકચંદ્ર જગન્નાથ ત્રિવેદી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમને ગાયે શીંગડું મારતાં રસ્તા પર પડી ગયા હતા. ત્યારબાદ ગાયે ફરી મારવા માટે શીંગડું ઉગામતા તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગાય સહિતનાં ઢોરોને ત્યાંથી હાંકી કાઢીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. જો કે ગાયના હુમલામાં દીપકચંદ્ર ત્રિવેદીને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

સત્તાધીશોનો રખડતા ઢોર પકડવાના દાવા માત્ર કાગળ પર

મહત્વનું છે કે અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. અમદાવાદ શહેરના સત્તાધીશો ફક્ત ગાયો પકડવાના દાવા કરે છે પરંતુ હજુ સુધી કાર્યવાહી ફક્ત કાગળ પર જ થતી જણાય છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ગાયો અડીંગો જમાવીને બેઠી હોય છે. લોકોને રસ્તા પરથી પસાર થવાનો પણ ડર લાગે છે. તેમ છતાં નઘરોળ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. સવાલ એ છે કે શહેરીજનો પાસેથી ટેક્સ વસૂલતું AMC કેમ નિંદ્રાધીન છે? સ્માર્ટસિટીના લોકોને ક્યાં સુધી આવી નર્કાગાર જિંદગી જીવવા મજબૂર કરાશે?

Published On - 10:04 am, Sat, 23 July 22