
જો તમને કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને તેમાં ગુજરાત પોલીસનો લોગો લગાવ્યો હોય તેમજ અમદાવાદ પોલીસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું, તમારો ઈ મેમો ભરવાનો બાકી છે. ઈ મેમો નહિ ભરો તો તમારી અટકાયત કરવા માટે પોલીસ ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે. જો ફોનમાં કોઈ આવી વાત કરે તો હવે ચેતી જજો. કેમ કે લોકોને ઈ ચલણ ભરવા પોલીસના નામે ફોન કરતી એક ગેંગ સક્રિય થઈ હતી.
આ ગેંગ દ્વારા પહેલા લોકોને ફોન કરવામાં આવતા હતા. આ ગેંગ દ્વારા ઈ મેમો ભરવા માટેની જે ઓરિજનલ વેબસાઇડ છે તેવી જ ખોટી વેબસાઇડ પણ બનાવી હતી અને લોકોને તે ખોટી વેબસાઇડ ઈ મેમોની રકમ ભરાવતા હતાં. આ ગેંગ દ્વારા અમદાવાદના અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલો ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડનાં રાંચી થી સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ધરપકડ કરી છે.
આરોપી સૌ પહેલા ગૂગલમાં અમદાવાદ ટ્રાફિક ફાઈન સર્ચ કરતા હતા. ત્યારબાદ અમદાવાદ સીટી પોલીસનું પેજ ખોલી તેમાં E Challan ની સિસ્ટમનું પોર્ટલ ઓપન કરવામાં આવતું હતું, તેમાં અમદાવાદ પાર્સિંગનાં વાહનના કોઈ પણ નંબર રેન્ડમલી નાખવામાં આવતા હતા. જે વાહનના E Challan બાકી હોય તે નંબર નોટ કરી લેવામાં આવતો હતો. બાદમાં આ વાહનનો નંબર રોયલ સુંદરમ રિન્યુઅલ નામની વેબ સાઇડ પર ઇન્સ્યોરન્સ પેજમાં આ વાહનના નંબર નાખી તેના ચેસીસ નંબર મેળવતા હતા.
આરોપીઓ પાસે વાહન નંબર તેના ચેસીસ નંબર આવી ગયા બાદ M પરિવહન એપ્લિકેશનમાં વાહન અને ચેસીસ નંબર નાખતા વાહન ચાલકની તમામ ડીટેલ અને મોબાઈલ નંબર પણ મળી જતો હતો. જે બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના ચલણ પેમેન્ટ સિસ્ટમના વેબ પેજ પર વાહનના ઈ મેમોની વિગતો મેળવતા હતા અને બાદમાં જે તે વાહન ચાલકના મોબાઈલ નંબર ઉપર કોલ કરતા હતા.
વાહન ચાલકોને ફોન કરી તેમના ઈ મેમોની વિગત જણાવતા હતા અને તે ફાઈન નહીં ભરે તો તેમના ઘરે પોલીસ આવશે અને કોર્ટમાં તેમણે દંડ ભરવો પડશે તેવું જણાવતા હતા અને જો સામેથી વાહન ચાલક દંડ ભરવા તૈયાર થઈ જાય તો તેમને આરોપીઓ ક્યુઆર કોડ અથવા તો તેમણે બનાવેલી ખોટી વેબસાઈટની લીંક મોકલતા હતા. જેના આધારે વાહન ચાલક તે ખોટી વેબસાઈટમાં પોતાના ચલણની રકમ ભરતા હતા.
આરોપીઓ વાહન ચાલકને જણાવતા કે તેમનો ઈ મેમો આગામી 72 કલાકમાં ક્લિયર થઈ જશે. જોકે અમુક સમયે વાહન ચાલકો ઓનલાઈન ફ્રોડ થાય છે તેવું પણ જણાવતા હતા તો આરોપીઓ તેમને google પર નજીકના ટ્રાફિક પોલીસ સર્ચ કરી ત્યાં પોતાનો મેમો ભરી દેવાનું પણ જણાવતા હતા.
સમગ્ર કેસમાં હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના રાંચીના સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે સુધાંશુ મિશ્રા અગાવ સ્ટોક માર્કેટિંગનું કામ કરતો હતો અને લોકડાઉન બાદ તે કોલકત્તા ગયો હતો. કોલકત્તામાં સુધાંસુની ઓળખાણ રાજેશ સાથે થઈ હતી.
રાજેશ અમદાવાદ ટ્રાફિક પોલીસના ઈ મેમોના ફાઈનનું ગેરકાયદેસર કામ કરતો હતો અને રાજેશે સુધાંશુને આ કામ કરવા માટેની ટ્રીક બતાવી હતી. સુધાંશુએ રાજેશ સાથે 15 દિવસ કામ પણ કર્યું હતું.
ત્યારબાદ સુધાંશુ ફરીથી ઝારખંડના ધનબાદ ખાતે આવ્યો અને રાજેશ પાસેથી શીખેલું કામ કરવા સુધાંશુએ મિત્ર સપ્તમકુમારને તૈયાર કર્યો. બંને મળી જાન્યુઆરી 2023 થી ઓગસ્ટ 2023 સુધીમાં ઘણા બધા વાહન ચાલકો પાસેથી અમદાવાદ ટ્રાફિક પોલીસના કલેક્શન ડિપાર્ટમેન્ટ માંથી બોલતા હોવાનું જણાવી લાખો રૂપિયા પચાવી પાડ્યા છે.
પોલીસને વધુ પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું છે કે પકડાયેલો આરોપી સુધાંશુ અને તેનો મિત્ર સપ્તમકુમાર વાહન ચાલકોને ફોન કરતા તેના સીમકાર્ડ, UPI આઇડી અને ખોટી વેબસાઈટની લીંક પલટન દાસ નામનો વ્યક્તિ કે જે ઝારખંડનો રહેવાસી છે તે પૂરી પાડતો હતો.
વાહન ચાલકોએ ઈ મેમોન ભરેલા પૈસા પણ પલટન દાસ પાસે જતા હતા. ઈ મમોની રકમ માંથી પલટનદાસ 20 ટકા પૈસા કાપી બાકીના રૂપિયા સુધાંશુ અને સપ્તમકુમારને આપી દેતો હતો. તેમજ જે મોબાઈલ નંબર થી ફોન કરતા હતા તે મોબાઈલ નંબરના સીમકાર્ડ થોડા થોડા દિવસોએ તોડી નવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા અને તે નંબરમાં ગુજરાત પોલીસનો લોગો પણ સેટ કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં લીધો ભાગ, જુઓ Photos
હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈ મેમોની ખોટી વેબસાઈટ બનાવી લોકો પાસેથી લાખોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી સુધાંશુ મિશ્રાની ધરપકડ કરી છે. જોકે હવે સમગ્ર કેસની તપાસ હવે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે.
હજી આ કેસમાં સપ્તમકુમાર અને તેને મદદ કરનાર પલટન દાસની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે અમદાવાદ શહેરના કેટલા વાહન ચાલકો આ ગેમનો ભોગ બન્યા છે અને આ ગેંગ દ્વારા અન્ય કોઈ રાજ્યમાં પણ આ રીતે ઈ ચલણના નામે લોકો સાથે છેતરપિંડી કરી છે કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:05 pm, Fri, 8 September 23