Ahmedabad: રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે લગાવતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઈને થયેલા કેસમાં સુરતની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને પડકારતી અરજી સેશન્સ કોર્ટમાં કરાઈ હતી.
સેશન્સ કોર્ટ તરફથી પણ રાહુલ ગાંધીને ઝટકો મળ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સજા પર સ્ટે માગતી અરજી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ રાહુલ ગાંધીને રાહત મળી નથી. આ અંગે Tv9 સમક્ષ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે અમે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશુ. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે.
શક્તિસિંહે જણાવ્યુ કે પ્રથમ સંજોગોમાં રાહુલ ગાંધી સામે કોઈ ગુનો જ બનતો નથી. કર્ણાટકમાં બોલાયેલા નિવેદન પર સુરત જ્યુરિડિક્શન ન લાગે. કાયદાની જોગવાઈ મુજબ કોઈ કેસ જ બનતો નથી.
નિરવ મોદી અને લલિત મોદી જે દેશને લૂંટીને ગયા છે એમની વિરુદ્ધ કહેલી વાતોને ભાજપ દ્વારા મોદી સમાજ સાથે જોડવાનો એક ખોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક જ પ્રકારની FIR વિવિધ જગ્યાએ થઈ શકે નહીં જે ભાજપ દ્વારા કરવામાં આવી છે. તેને ક્વોટ પણ કરવામાં આવી છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે મને પુરો વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય મળશે
શક્તિસિંહે જણાવ્યુ કે ભૂતકાળમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પછાત સમાજના ડૉક્ટરને હોસ્પિટલમાં માર માર્યો હતો. જેમા અમરેલીની કોર્ટે તેમને સજા ફટકારી હતી. હાઈકોર્ટે પણ સજા પર સ્ટે આપ્યો ન હતો.
સુપ્રીમ કોર્ટે પણ માન્યુ હતુ કે આ ગુનેગાર છે, પાંચ લાખ રૂપિયા દંડ ભરવાનો આદેશ કર્યો હતો. સાથોસાથ એ પણ ટાંક્યુ હતુ કે સંસદ સભ્ય છે, લોકોના પ્રતિનિધિ છે, લોકો વંચિત ન રહે આથી તેમની સજા સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીના કેસમાં એવો તો કોઈ ગુનો છે જ નહીં.
આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ
રાહુલ ગાંધી સામેના 10 ગુન્હા પર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કહ્યુ કે એક જ પ્રકારની Fir વારંવાર કરવાથી ગુનાની સંખ્યા ન વધે અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યુ છે કે એક જ પ્રકારનો ગુનો વારંવાર ન નોંધી શકાય. જે સરાસર તથ્યવિહિન વાત હોવાનુ તેમણે જણાવ્યુ હતુ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો